Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

આવતીકાલે સી.આર. પાટીલ કચ્છમાં: કાર્યકરોને બૂથ મેનેજમેન્ટના 'પાઠ' ભણાવશે

મોરબી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાની જંગી બહુમતી માટે સી.આર. પાટીલનો સંગઠનના કાર્યકર્તાઓ અને તમામ આગેવાનો સાથે સંવાદ, કુલ ૧૯ લાખ ૩૫ હજાર મતદારો માટે ૧૩૩૭ મતદાન મથકમાં ૨૧૪૦ મતદાન કેન્દ્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

 લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવતીકાલે કચ્છ આવી રહ્યા છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખની મુલાકાતના પગલે આગેવાનો અને કાર્યકર્તાઓ એલર્ટ મોડમાં છે. જોકે, મોરબી કચ્છ બેઠકમાં ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાનું નામ જાહેર થયા બાદ પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ થઈ ગયું છે. પરંતુ ૨૦૨૪ ની વર્તમાન લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ પ્રદેશ પ્રમુખ પાટીલ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે. આ બેઠક ઉપર વિનોદ ચાવડા ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અનુભવી ઉમેદવાર છે. તેમ છતાંયે આવતીકાલે પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આગેવાનો અને બૂથ ના કાર્યકરો સાથે બેઠક યોજી અને માઈક્રો બૂથ મેનેજમેન્ટના પાઠ ભણાવશે. આપ અને કોંગ્રેસ સયુંકત રીતે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ કચ્છ ભાજપનો ગઢ ગણાય છે તેમ છતાંયે વધુમાં વધુ મતદાન થાય એ માટે ભાજપ કોઈ કચાશ છોડવા માંગતું ન હોઈ આ બેઠકના બૂથ કાર્યકરો સાથે પેજ સમિતિના કાર્યકરો ને પણ આમંત્રિત કરાયા છે. સંકલન માટે પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ પણ બે દિવસથી કચ્છમાં આવી ગયા છે. મોરબી કચ્છ લોકસભા બેઠકના કુલ ૧૯ લાખ ૩૫ હજાર મતદારો છે. જે ૧૩૩૭ મતદાન મથકો ઉપર ૨૧૪૦ મતદાન કેન્દ્રોમાં મતદાન કરશે. 

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું આવતીકાલે ભુજ માં બપોરે ૧ વાગ્યે બાઈક રેલી દ્વારા સ્વાગત કરાશે. ત્યાર બાદ બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી યક્ષ મંદિર માધાપર મધ્યે પ્રદેશ પ્રમુખ પાટીલ બૂથ કાર્યકર્તાઓ, પેજ કમિટી ના કાર્યકરો ઉપરાંત આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજી બૂથ મેનેજમેન્ટના પાઠ ભણાવશે.

 

(1:58 pm IST)