Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

હાઇવે ઉપર બર્થ ડે સેલીબ્રેશન કરનાર ચાર યુવાનોને વાંકાનેર પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું

૩પ લાખ ફોર્ચ્‍યુન કાર સાથે ૪ ની અટકાયત કરી પોલીસની પ્રેરણાદાયી કાર્યવાહી

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૩૦: વાંકાનેર શહેર નજીક હાઇવે પર અવારનવાર યુવાનો દ્વારા બર્થડે સેલીબ્રેશનના નામે ખોટા સિનસપાટા કરવામાં આવતા હોય છે. ત્‍યારે આવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં પોલીસે એકટીવ મોડમાં આવી વિડીયોમાં દેખાતા ચાર યુવાનોને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ઓવરબ્રીજ પાસે અમુક યુવાનો દ્વારા કાર ઉભી રાખી, કેક કાપી, ફટાકડા ફોડી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરતો બર્થ-ડે સેલીબ્રેશનનો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા આ બાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમે તપાસ શરૂ કરી વિડીયોમાં દેખાતા યુવાનોની ઓળખ કરી તમામ સામે આઇપીસી કલમ ર૮૩, ર૮૬, ૩૩૬, ૧૧૪ તથા એમ.વી.એકટ કલમ ૧૨૨ મુજબ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે આરોપી બુરહાનુદીન તૈયબઅલી મલકાની (ઉ.વ.૨૬), હુશેન બાજી સબીરભાઇ હાથી (ઉ.વ.ર૮), અમીર મુસ્‍તાકભાઇ તાજાણી (ઉ.વ.૩૧) અને અજીજભાઇ મુસ્‍તુભાઇ સરાવાલા (ઉ.વ.ર૭, રહે. તમામ વોરાવાડ, વાંકાનેર)ને રૂા. ૩૫ લાખની કિંમતની ફોર્ચ્‍યુનર કાર નંબર જીજે ૩ એમએચ ૫૩૦૦ સાથે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી અન્‍ય યુવાનો માટે બોધરૂપ કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં પીઆઇ એચ.વી.ઘેલા, એએસઆઇ નારણભાઇ લાવડીયા, હેડ કો. યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઇ લાવડીયા, માલાભાઇ ગાંગીયા, ધર્મરાજભાઇ ગઢવી સહીતના જોડાયા હતા.

(12:40 pm IST)