Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ગોંડલ નગરપાલીકા પ્રમુખ ઉપર કર્મચારી દંપતિ દ્વારા હુમલાની કોશિષ

પૂર્વ કર્મચારી હિરેન ચોટલીયા ગુપ્‍ત ડેટા ચોરીનો પ્રયત્‍ન કરતો હોય પાલીકામાં આવવાની ના પાડતા દંપતિ ઉશ્‍કેરાયુ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩૦ : નગરપાલિકા પ્રમુખ પર કર્મચારી દંપતિએ હુમલાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાલિકા વર્તુળમાં ચર્ચાનો વિષય બની જવા પામ્‍યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ  નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારાએ શહેર પોલીસમાં સેનિટેશન શાખાના પૂર્વ કર્મચારી હિરેન ચોટલીયા અને NULM  શાખાના સુપરવાઇઝર મિતલબેન હિરેનભાઈ ચોટલીયા વિરૂદ્ધ હુમલાની કોશિશ અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪ ૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધ તપાસ હાથ ધરી હતી.

પાલિકા પ્રમુખ મનીષભાઈ એ પોલીસને જણાવ્‍યું હતું કે હિરેન ચોટલીયા સેનીટેશન શાખાઓમાં અગાઉ નોકરી કરતા હતા અને ડેટા લીક કરી પાલીકાનું ગુપ્ત સાહિત્‍ય ની ચોરી કરી જાહેર કરતા હોય તે ધ્‍યાને આવતા  તેમને  ફરજ પરથી છુટા કરી દીધા હતા પરંતુ તેમ છતાં પણ  તે વારંવાર નગરપાલિકાએ આવી ડેટા ચોરી કરવાનો પ્રયત્‍ન કરતા હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું. દરમિયાન શાખામાં નોકરી કરતા તેમના પત્‍ની મિતલબેન ની ઓફિસમાં હિરેનભાઇ લેપટોપ લઈ આવ્‍યા હોય ડેટા ચોરીનો પ્રયત્‍ન કરતા હોવાનું  ધ્‍યાને આવતા તેઓને નગરપાલિકા ઓફિસમાં આવવાની ના પાડતા દંપતિ ઉશ્‍કેરાયું હતું અને મારવાની કોશિશ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી હતી આપી હતી.

નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા પર હુમલાની કોશિશનાં પગલે પાલીકા સદસ્‍યો નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા. બાદમાં સદસ્‍યો પ્રમુખ સાથે પોલીસ સ્‍ટેશને ફરિયાદ માટે પહોંચ્‍યા હતા.

(12:16 pm IST)