Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

રાષ્‍ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા મહત્‍વપૂર્ણ : રક્ષાસચિવ ગિરિધર અરમને

વેરાવળ ખાતે આશરે રૂા. ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓટીએમ અને આવાસોનું લોકાર્પણ કરતા શ્રીમતિ ગાયત્રી અરમને

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૩૦ : ભારતીય તટરક્ષક દળના ઈણાજ ખાતે આવેલ સ્‍ટેશન ખાતે તટરક્ષક દળના જવાનો માટે રહેવા માટેના આવાસો અને ઓટીએમ સાથે હેલિપેડનું લોકાર્પણરક્ષાસચિવગિરિધર અરમનેની વિશેષ ઉપસ્‍થિતિમાંગાયત્રી અરમનેએ કર્યું હતું.

વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે કલેક્‍ટર કચેરીને અડીને આવેલા સ્‍ટેશન ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનોને રહેવા માટેની સુદ્રઢ વ્‍યવસ્‍થાઓ મળે તે માટે ૬૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. વ્‍યાયામ અને રમતગમત માટેની સુવિધાઓ, વોલિબોલ અને પરેડ ગ્રાઉન્‍ડ સાથે સુએઝ ટ્રીટમેન્‍ટની વ્‍યવસ્‍થાઓ સાથે મેસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી જવાનોને વધુ સારી સગવડો તેમના કામના સ્‍થળે મળી રહે. આ ઉપરાંત આ સ્‍ટેશન ખાતે ૭૫ડ૭૫ મીટરનું હેલિપેડ પણ બનાવવામાં આવ્‍યું છે.

રક્ષાસચિવ ગિરિધર અરમનેએ જણાવ્‍યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તટરક્ષક દળની ભૂમિકા ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. ખાસ કરીને ગુજરાત ૧૬૦૦ કિલોમીટરનો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. ત્‍યારે આંતરરાષ્ટ્રીય પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને મજબૂત બનાવવું એ આજના સમયની માંગ છે.

આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્‍યું કે, સમય સાથે ટેક્‍નોલોજી ઝડપથી બદલાઈ રહી છે ત્‍યારે તટરક્ષક દળને સમયાનુકૂળ રીતે અદ્યતન કરવામાં આવી રહી છે. લાંબા ગાળાના સુરક્ષાત્‍મક પગલાઓને ધ્‍યાનમાં રાખીને તટરક્ષક દળને ડ્રોન તથા માનવવિહિન વાહનો સાથે સુસજ્જ બનાવવામાં આવી રહ્યાં છે. તેની સાથે ગુજરાતમાં હોવરક્રાફટ સ્‍ટેશન નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત જેટીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અને તટરક્ષક દળના જવાનોને આધુનિક ટેક્‍નોલોજીના સમન્‍વય સાધીને વધુ સુસજ્જ બનાવવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્‍યું કે, દરિયાઈ માર્ગે ગેરકાયદેસર માછીમારી, માઈનિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે ભારતીય તટરક્ષક દળને વધુ સાધન સરંજામથી વધુ સજ્જ કરવામાં આવી રહ્યું છે. જેથી ભારતીય દરિયાઈ સીમા વિસ્‍તાર શાંત, સલામત અને સુરક્ષિત રહી શકે.

શ્રી અરમનેએ જણાવ્‍યું કે, વેરાવળમાં વિવિધ અભિયાનો માટે હેલિપેડ બનવાથી આકસ્‍મિક બચાવ, રાહત સહિતની કામગીરી વધુ સારી રીતે કરી શકાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સીમા પરની ગતિવિધિઓ પર સારી રીતે દેખરેખ રાખી શકાશે.

આ પ્રસંગે મહાનિર્દેશક રાકેશ પાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્‍નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષકમનોહરસિંહ જાડેજા, ચીફ કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ સર્વશ્રી આરાધના સાહુ, ડો. કે.રમેશ તથા ભારતીય તટરક્ષક દળના અધિકારીઓ અને જવાનો ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(10:56 am IST)