Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

કચ્છમાં ૧૫૦૦૦ જેટલા વયોવૃદ્ધ મતદારો ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે વહીવટી તંત્ર સજજ

૧૦૦ વર્ષથી ઉપરના ૪૪૭ અને ૮૫ વર્ષની ઉપરના ૧૪૪૨૭ મતદારો, તંત્ર દ્વારા ઘેર બેઠા મતદાન કરવા અથવા મતદાન કેન્દ્ર સુધી લઈ જવા એ બન્ને વિકલ્પ

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦

કચ્છનું વહીવટી તંત્ર લોકસભા ચૂંટણી માટે સજજ છે. ખાસ કરીને વરીષ્ઠ નાગરીકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતા ને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાયેલી ખાસ વ્યવસ્થાઓ પૈકી ઘેર બેઠા મતદાન કરવાનો અથવા તો મતદાન કેન્દ્રમાં મતદાન કરવું હોય તો ત્યાં સુધી લઈ જવા માટે વ્યવસ્થા કરી બન્ને પૈકી એક વિકલ્પ થી મતદાન કરી શકે એવી સુવિધા કરવામાં આવી છે. જેના કારણે વરીષ્ઠ મતદારો આ વિશેષ સુવિધા સાથે પોતાનો મત આપી મતદાનની ફરજ બજાવી શકે. કચ્છની વાત કરીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર અમિત અરોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ મતદારોનું લીસ્ટ તૈયાર થઈ ગયું છે. જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુની ઉંમરના ૪૪૫ વરીષ્ઠ મતદારો નોંધાયા છે જેઓ મહાપર્વમાં જોડાઇને અન્યો માટે પ્રેરણારૂપ બનશે. 

ભારતના ચૂંટણીપંચે ૮૫ વર્ષથી વધુ ઉંમરવાળા વરીષ્ઠ નાગરીકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઇ કરી છે. ત્યારે કચ્છમાં ૮૫ વર્ષથી વધુના ૧૪૪૨૭ મતદારો નોંધાયા છે જે આ જોગવાઇનો લાભ લઇ શકશે. જયારે શતાયુ મતદારો જોઇએ તો, ૪૪૫ નોંધાયા છે. જેઓ પણ મતદાન મથક સુધી ન પહોંચી શકે તો ઘરેથી મતદાન કરવાનો લાભ મેળવી શકશે. 

મતદાર યાદી મુજબ અબડાસામાં ૮૫ વર્ષથી વધુ ઉપરના ૨૫૬૩ તથા ૧૦૦ વર્ષ ઉપરના ૮૩, માંડવીમાં ૨૨૪૨ તથા ૬૨ તથા ભુજમાં ૩૧૧૪ તથા ૧૩૩, અંજારમાં ૧૯૮૬ તથા ૫૩, ગાંધીધામમાં ૨૦૪૪ તથા ૫૫ તેમજ રાપરમાં ૮૫  વર્ષ ઉપરના ૨૪૭૮ તેમજ શતાયુ ૫૯ વરીષ્ઠ નાગરિકો નોંધાયેલા છે. 

ચૂંટણીઓને ભાગીદારીપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં વરિષ્ઠ નાગરીકો માટે મતદાન સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર અને સહાયકની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

(9:54 am IST)