Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

મોહનભાઈ કુંડારીયા લોહાણા સમાજને રાજકીય રીતે ખતમ કરી નાખવા માગે છે, મને પાસામાં પુરાવી નાખે તેવો ભય છેઃ જીતુભાઈ સોમાણી

માળીયામિંયાણા પાલિકામાં ૬૨થી ૭૫ વર્ષ સુધીનાને ટીકીટ આપી છતા ભાજપ જિલ્લા પ્રમુખ સામે કાર્યવાહી કેમ નહિ ? : હું સાચો રઘુવંશી છું, કયારેય અસત્ય બોલતો નથીઃ મોહનભાઈ કુંડારીયાને જવાબ આપતા વાંકાનેરના ભાજપ અગ્રણી

રાજકોટ, તા. ૩૦ :. વાંકાનેરના ભાજપના અગ્રણી અને નગરપાલિકાના સદસ્ય જીતુભાઈ સોમાણીએ મોહનભાઈ કુંડારીયાએ સત્ય બોલવાની વાત કરી હતી તેની સામે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ છે કે હું સાચો રઘુવંશી છું, કયારેય અસત્ય બોલતો નથી.

જીતુભાઈ સોમાણીએ વધુમાં જણાવ્યુ કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વાંકાનેર શહેર ભાજપના પ્રમુખના ઘરે વિનુભાઈ વ્યાસ, ઈન્દુભા જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા સહિતની હાજરીમાં મોહનભાઈએ પોતાની ૩ દિકરીના સોગંદ ખાઈને વચન આપ્યુ હતુ તે પાળ્યુ નથી, ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં યોગેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપભાઈ વાળા સહિતની હાજરીમાં વચન આપ્યુ હતુ તે પણ પુરૂ પાડયુ નથી.

આ ઉપરાંત જીતુભાઈ સોમાણીએ વધુમાં જણાવ્યુ કે, મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા મોહનભાઈએ હરાવેલ છે તે મોરબી જિલ્લાના લોકો જાણે છે. આ બાબતે પ્રદેશમાં વારંવાર રજુઆત પણ કરી છે. તાજેતરની માળીયામિંયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૨થી ૭૫ વર્ષ સુધીનાને ટીકીટ આપી છતા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ ન થઈ ?

જસદણ, વિંછીયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભરતભાઈ બોઘરાની પક્ષ વિરોધી પ્રવૃતિને કારણે હાર થઈ છતાં પ્રદેશને કેમ રીપોર્ટ થયો નથી ? વાંકાનેર સાથે જ કિન્નાખોરી કેમ ? દિનુભાઈ વ્યાસએ સત્ય હકીકત લખી જેથી તેમને નોટીસ આપવામાં આવી છે.

જીતુભાઈ સોમાણીએ વધુમાં જણાવ્યુ કે વાંકાનેર પાલિકામાં પ્રમુખ પદે ચૂંટાયેલા જયશ્રીબેન સેજપાલ લોહાણા સમાજમાંથી આવતા હોય અને મોહનભાઈ કુંડારીયા લોહાણા સમાજને રાજકીય રીતે ખતમ કરી નાખવા માગતા હોય તેથી એજ વોેર્ડમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામો મુકાયા હતા. મારી ઉપર સામાન્ય બે કેસ હોય તો મને પાસામા પુરાવી નાખે તેવો ભય છે. મોહનભાઈ કુંડારીયા મારૂ રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માંગતા હોય ફકત વ્યકિતગત મારો વિરોધ છે

(5:18 pm IST)