Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સાયલાની સીમમાં અજાણ્યા શખ્સોએ ત્રાટકી દંપતિને માર મારી ઘરેણા લઇ ગયા

વઢવાણ તા.૩૦: સાયલાના ટાંવાવચ્છની આવળીયાની સીમજમીનમાં ૧૫ વર્ષથી રહેતા અને ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય રાયસંગભાઇ નાનુભાઇ ધોળકીયા અને તેમના ૫૮ વર્ષીય પત્ની જમનીબેન રાત્રીના સમયે સુતા હતા. તે દરમીયાન અજાણ્યા ત્રણથી ચાર યુવાનો ઘસી આવ્યા હતા અને રાયસંગભાઇ અને જમનીબેનને લંુગી અને રૂમાલથી હાથ બાંધી દીધા હતા. તેમજ લૂંટ ચલાવવાના ઇરાદે ઘરમાં ઘુસીને વસ્તુઓ વેર વીખેર પણ કરી હતી.

જ્યારે રાયસંગભાઇના હાથ-પગ બાંધીને તીક્ષ્ણ હથીયારથી મારતા જમનીબેને લુંટારૂઓને પડકારતા તેમને પણ હથીયારથી માર માર્યો હતો. અને લૂંટારૂઓએ જમનીબેનના કાનમાં પહેરેલા સોનાની પોંખ,સોનાની કડી તથા સોનાના કોકરવા કાનમાંથી આંચકા મારીને ખેંચી લઇને નાસી ગયા હતા.

જ્યારે સવારે ગોદડામાં વીંટળાયેલી બેભાન હાલતમાં રાયસંગભાઇને અને જમનીબેન જોતા પરિવારને ઘટના અંગેની જાણ થતાં દંપતિને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. પરંતુ રાયસંગભાઇને માથાના ભાગે વધુ ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. સાયલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:53 am IST)