Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં ભાવવધારો

૧ એપ્રિલથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે કિલો ફેટે રૂ.૬૧૫/

ભાવનગર, તા.૩૦: શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષ સ્થાને તા.૨૯-૩-૨૦૧૯ના રોજ નિયામક મંડળની મીટીંગ મળી જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતા હાલ જે ૬૦૫/ કિલોફેટે ચુકવાય રહ્યા છે તેમાં રૂ.૧૦/ વધારો કરી તા.૧-૪-૨૦૧૯થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ.૬૧૫/ કરવામાં આવેલ છે. આમ હાલમાં વેચાણ ભાવમાં કોઇપણ જાતનો વધારો કર્યા વિના ફરીથી ત્રીજી વખત ભાવ વધારવાનો નિર્ણય સર્વોત્તમ ડેરીના નિયામક મંડળ દ્વારા કરવામાં આવેલ છે. નિયામક મંડળ દ્વારા ગરમીની સીઝનમાં પાણીની તથા ઘાસચારાની અછત, ઘાસચારા તેમજ ખાણદાણની મોંઘાઇને ધ્યાનમાં લઇને રૂ.૧૦/નો વધારો કરવામાં આવેલ છે. ગત વર્ષે એપ્રિલ ૨૦૧૮માં કિલોફેટનો ભાવ રૂ.૫૭૫/ હતો તેની સરખામણીએ રૂ.૪૦/ કિલોફેટે આ વર્ષે વધારી રૂ.૬૧૫/ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે જો દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવે તો દૂધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાયમાં આર્થિક વળતર વધારે મળતુ થાય તેવા શુભ ઉદેશથી ભાવવધારો કરેલ છે. સર્વોત્તમ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ભાવવધારાના નિર્ણયથી દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આમ સર્વોત્તમ ડેરી હંમેશા દૂધ ખરીદીમાં અને ભાવ ચુકવવામાં અગ્રેસર રહી છે.

(11:52 am IST)