Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

પોરબંદરની ડો. ગોઢાણીયા બી.એડ્ કોલેજમાં ગાંધી અંગે રીસર્ચ પેપર સેમિનાર યોજાયો

પોરબંદર, તા. ૩૦ : માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર. ગઢવાણીયા કોલેજ ખાતે તાજેતરમાં મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દિ ઉજવણીના સંદર્ભે 'શાશ્વત ગાંધી-૧પ૦ : એક ચિંતન' વિષય પર બી.એડ્ના તાલીમાર્થીઓનો 'રીસર્ચ પેપર' સેમિનાર યોજાયો હતો.

બી.એડ્ના પ્રશિક્ષણાર્થીઓ દ્વારા નરસિંહ મહેતા રચિત મહાત્મા ગાંધીજીને પ્રિય પદ-ભજન વૈષ્ણ વજન તો તેને કહીએ તેના ગાન સાથે શુભારંભ થયો હતો. બી.એડ્ કોલેજના પ્રાચાર્ય ડો. હિનાબેન ઓડેદરાએ તાલીમાર્થીઓમાં અનેક પ્રકારની કલાક છૂપાયેલી છે અને તેને બહાર લાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરૃં પાડવાના ઇરાદે આયોજન કર્યું છે.

ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ્ કોલેજના ડાયરેકટર અને જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ યુવાપેઢીનો ગાંધીજી પ્રત્યેના અપ્રતિમ લગાવ જોઇને પ્રસન્નતા વ્યકત કરતા જણાવ્યું હતું કે ગાંધી વિશે લખવું, બોલવું કદાચ સહેલંુ હશે પણ ગાંધીને સમજવા અઘરા છે તેમના માટે રાજકારણ એ લોકસેવાનો માર્ગ છે. ગાંધીજી મહાન નેતા  એટલા માટે છે કે પોતે નથી છતાં તેના વિચારો જીવે છે. મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિમાં જન્મેલા લોકો દેશ-વિદેશ જાય છે ત્યારે તેને ગજબનું સન્માન ગાંધીના કારણે મળે છે. ગાંધી એ તો ઘણુ કર્યું આપણે શું કર્યું ? ગાંધી મૂલ્યોને કેટલા આત્મસાત કર્યા તે ચિંતનનો વિષય છે.

ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા ઉપરાંત એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિષાણાએ કોલેજના વિદ્યાર્થીઓ ગાંધી વિચાર પર ચિંતન-મંથન કરે તે મોટી ઉપલબ્ધિ છે. તેમણે બી.એડ્ના તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ સેમિનારમાં મોહનમાંથી મહાત્મા, ટ્રસ્ટશીપનો સિદ્ધાંત, બુનિયાદી શિક્ષણ, અનાસકતયોગ, રંગભેદનીતિ, દાંડી કૂચ, ગાંધીમૂલ્યો જેવા વિષયો પર ૯૪ જેટલા શોધપત્રો પ્રસ્તુત કરીને પોરબંદરની ભૂમિમાં જન્મેલા ગાંધીની સાર્ધ શતાબ્દિ વંદના કરીને ગાંધીજીને જીવંત કર્યા હતાં.

સેમિનારમાં કુલ આઠ વર્ગોમાં વહેંચવામાં આવેલ દરેક ગ્રુપમાંથી એક-એક એમ આઠ શિક્ષાર્થીઓને બેસ્ટ પેપર તરીકે વિજેતા જાહેર કર્યા હતા. જેમાં સાધના ભૂતિયા, મૈત્રી થાનકી, તૃપ્તિ સોલંકી, પૂજા જોષી, તુષાર ત્રિવેદી, ગીતા ઓડેદરા પરિક્ષિત મહેતા, પ્રતાપ ઓડેદરાનો સમાવેશ થાય છે. આ વિજેતાઓને ઇનામો એનાયત કરીને નવાજવામાં આવેલ હતા.

આ સેમિનારમાં ચેરસર્પન તરીકે પ્રા. જાનકી જોષી, મનિષ ઓડેદરા, ક્રિષ્ના ભૂવા, રક્ષા પંડયા, દર્શના સાગોઠીયા, દક્ષા મોકરીયા, જાગૃતિ ચાવડા, હિના આસોડીયા, સ્વાતિ ચુડાસમાએ ભૂમિકા અદા કરી હતી.

(11:52 am IST)