Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

મોરબી જિલ્લામાં ધો. ૧૦નું નીચુ પરિણામ લાવતી ૩ સરકારી શાળા સામે આકરી કાર્યવાહી

મોરબી તા. ૩૦ : ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં સરકારી શાળાઓના નીચા પરિણામ ચિંતાજનક છે અને આ પરિસ્થિતિને સુધારવા માટે નીચું પરિણામ લાવતી શાળાના આચાર્ય અને શિક્ષકો સામે કાર્યવાહી કરાતી હોય છે જે અંતર્ગત ત્રણ શાળાના સ્ટાફને હિયરીંગ માટે ડીઈઓ કચેરી બોલાવ્યા હતા અને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મોરબી જીલ્લાની ધૂળકોટ હાઈસ્કૂલ, લુણસર માધ્યમિક શાળા તેમજ બોયઝ હાઈસ્કૂલ એ ત્રણ શાળાનું ધોરણ ૧૦ નું પરિણામ સતત ત્રણ વર્ષથી ૩૦ ટકાથી નીચું રહેતું હોય જે મામલાને ગંભીરતાથી લઈને જીલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી દ્વારા ધૂળકોટ શાળાના આચાર્ય અને ૨ શિક્ષક, લુણસર શાળાના આચાર્ય અને એક શિક્ષક તેમજ બોયઝ હાઈસ્કૂલના આચાર્યને કચેરીએ બોલાવ્યા હતા જયાં તેમની સામે હિયરીંગ કરવામાં આવ્યું હતું ડીઈઓ બી એમ સોલંકી, એજયુકેશન ઇન્સ્પેકટર નીલેશ રાણીપા અને તેના સ્ટાફ દ્વારા આચાર્ય અને શિક્ષકો પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો તેમજ ત્રણ વર્ષથી શાળાના નબળા પરિણામને પગલે સ્ટાફનું એક વર્ષનો ઇજાફો (ઇન્ક્રીમેન્ટ) રોકવામાં આવશે તેમ ડીઈઓ બી એમ સોલંકીએ જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓની સ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને બોર્ડની પરીક્ષાના અતિશય નબળા પરિણામો આવતા હોય છે ત્યારે જીલ્લા શિક્ષણાધિકારીની કાર્યવાહીને વાલીઓ આવકારી રહ્યા છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે વાલીઓ માંગ કરી રહ્યા છે.

(11:51 am IST)