Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

હવે રોજમદારમાંથી કાયમી?- ભાજપના નેતાઓના વાયદાને પગલે ભુજ પાલિકાના કર્મચારીઓનું આંદોલન સમેટાયું

ભુજ, તા.૩૦: છેલ્લા એક મહિનાથી ભુજની જિલ્લા કલેકટર કચેરી સામે છાવણી નાખીને આંદોલન કરી રહેલા ભુજ પાલિકાના કર્મચારીઓનું આંદોલન અંતે સમેટાયું છે. સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભુજ આવી રહ્યા છે અને ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે ભુજ પાલિકાના રોજંદાર કર્મચારીઓનું આંદોલન કોઈ પણ વિવાદ વગર સમેટાઈ જાય એવા પ્રયાસો કચ્છ જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરાયા હતા. પક્ષના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, વર્તમાન સાંસદ અને ફરીવાર ચૂંટણીમાં ઝંપલાવનાર વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના પ્રયાસોને પગલે ઉપવાસી છાવણીમાં બેઠેલા કર્મચારીઓ સાથે વાટાઘાટો કરીને તેમને આજે પારણા કરાવાયા હતા. તેમની (શૈલેન્દ્રસિંહ જાડેજા)ની સાથે પ્રદેશ ભાજપના મીડીયા સમિતિના પ્રવકતા અનિરુદ્ઘ દવે, ભાજપના જિલ્લા મહામંત્રી દિલીપ શાહે આંદોલનકારી કર્મચારીઓને સમજાવ્યા હતા. ભુજ પાલિકાના સીઓ નીતિન બોડાત પણ ત્યાં હાજર હોઇ તેમણે રોજંદાર કર્મચારીઓને કાયમી કરવા સંદર્ભે અત્યારે ચૂંટણીની આચારસંહિતા હોઈ હાલના સરકાર દ્વારા હાલ ના તબકકે કોઈ પણ નિર્ણય ન કરી શકાય એવું જણાવ્યું હતું. જોકે, ભાજપ આગેવાનોએ હકારાત્મક ઉકેલ આવશે એવા પ્રયાસો કરવાની ખાત્રી આપી કર્મચારીઓને આંદોલન સમેટવા અને ભુજની પ્રજાના હિત માટે ફરી કામે ચડી જવા વિનંતી કરી હતી. જેને પગલે રોજંદાર કર્મચારીઓએ આંદોલન સમેટી લીધું હતું.

ભુજ નગરપાલિકાના ૭૦ જેટલા રોજંદાર કર્મચારીઓ સહપરિવાર અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. આ રોજંદાર કર્મચારીઓની માંગણી હતી કે જે રીતે ભુજ પાલિકાએ રોજંદાર સફાઈ કામદારોને કાયમી કર્યા તે રીતે જ તેમને કાયમી કરવામાં આવે. ભુજ પાલિકાની ૩૩ ખાલી જગ્યાઓ ભરવાની તજવીજ દરમ્યાન વર્ષોથી રોજંદાર કર્મચારીઓને પ્રથમ નોકરી માટે તક આપવામાં આવે. જોકે, પોતાની માંગણી અંગે કર્મચારીઓએ હકારાત્મક વાયદાને પગલે અત્યારે તો આંદોલન સમેટી લીધું છે, ત્યારે હવે જોવું રહ્યું રોજંદાર કર્મચારીઓની આશા ફળીભૂત થાય છે કે પછી પ્રશ્ન ઉકેલવાની વાત માત્ર ચૂંટણીનો 'વાયદો' બની જાય છે

(11:51 am IST)