Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

ભાવનગરમાં ગરીબોની રોજીંદી બચતની એક કરોડ જેવી રકમ ઓળવી જવા અંગે આરોપીની જામીન અરજી રદ્દ

જી. પી. આઇ. ડી. એકટ હેઠળ નોંધાયેલ ગુનામાં રાજકોટની સ્પે. કોર્ટમાં આરોપીએ જામીન અરજી કરી હતી : આરોપીને જામીન આપી શકાય તેમ નથીઃ કોર્ટ

રાજકોટ, તા. ૩૦ : રાજકોટના પ્રિન્સીપાલ સેશન્સ જજ ગીતા ગોપી મેડમે ભાવનગરના સેંકડો ગરીબ લોકોએ રોજીંદી બચતમાં મૂકેલ એક કરોડ રૂપિયાની થાપણો ઓળવી ભાગી જનાર કિમ ઇન્ડ્રાસ્ટ્રકર એન્ડ ડોવલપર્સ તથા નેકટર કોમર્શીયલ એસ્ટેટ લી. ના આસીસ્ટન્ટ મેનેજર પીનાકીન જયંતભાઇ ગોહેલની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, કિમ ઇન્ફ્રાસ્ટ્રકર એન્ડ ડોવલપર્સ તથા નેકટર કોમર્શીયલ એસ્ટેટ લી. નામથી ચાલતી પેઢીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પીનાકીન જયંતભાઇ ગોહેલએ ભાવનગરમાં વર્ષ-ર૦૧રમાં પોતાની ઓફીસ ચાલુ કરી આ વિસ્તારના સેંકડો ગરીબ રોજગારીવાળા લોકોને સારૂ વ્યાજ અપાવવાની લાલચે બાંધી મુદતી થાપણો મેળવેલ હતી તેમજ અમુક અતિ ગરીબ લોકો પાસેથી રોજીંદી થાપણ તરીકે દરરોજ નજીવી રકમ મેળવેલ હતી. આ ઉપરાંત તેઓએ જમીનના પ્લોટમાં માલીકી અપાવવાના બહાના હેઠળ દર માસે રૂ. ર,પ૦૦/નો હપ્તો મેળવી કિંમતી જમીનની માલીકી પ વર્ષ બાદ અપાવવાની પણ સ્કીમ બહાર પાડેલ હતી.

સમય જતા થાપણદારોમાં વિશ્વાસ જગાવી સંખ્યામાં વધારો કરેલ હતો અને તે રીતે થાપણદારો પાસેથી રૂ. ૧,૦૦,૦૦,૦૦૦/ થાપણ તરીકે મેળવેલ હતા. ત્યારબાદ વર્ષ-ર૦૧૮માં આ કંપનીના આસીસ્ટન્ટ મેનેજર પીનાકીન ગોહેલ ભાવનગર પોલીસના હાથ લાગી જતા તેઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધી તેમની ધરપકડ કરેલ હતી.

ગુજરાત સરકારે આવા નાના થાપણદારો પાસેથી મોટી રકમો થાપણ તરીકે મેળવી તથા જાત જાતની સ્કીમો બનાવી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમો વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે ખાસ રીતે જી.પી.આઇ.ડી. એકટ ઘડેલ હતો જેની જોગવાઇ મુજબ આવા આરોપીઓ વિરૂદ્ધ સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના ગુનાઓના કેસો રાજકોટના પ્રીન્સીપાલ સેશન્સ જજ સમક્ષ ચાલવાપાત્ર છે અને આરોપીઓની તમામ મિલકતો જપ્ત કરી થાપણદારોને આ મિલકતના વેચાણથી ઉપજેલ રકમ વહેચી આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. આ રીતે જોગવાઇ હેઠળ આરોપી સંદીપ ગોહેલની ધરપકડ કરવામાં આવેલ અને તેઓએ રજૂ કરેલ જામીન અરજીની સુનવણી વખતે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે હાજર રહેલ જિલ્લા સરકારી વકીલશ્રી એસ.કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે આરોપી પોલીસ રીમાન્ડ દરમ્યાન તેમની માલિકીની સમગ્ર મિલકતો યોગ્ય રીતે જાહેર કરેલ નથી. આ રીતે આ આરોપી પોતાની મિલકતો સેશન્સ કોર્ટ જપ્ત કરી વેચાણ ન કરી શકે તેવા ઉદેશથી હકીકતો છુપાવતા હોય ત્યારે ગરીબ થાપણદારોની થાપણની રકમ તેઓને પરત મળે તેવા કોઇ સંજોગો જણાઇ આવતા ન હોય ત્યારે આવા આરોપીને જામીન આપવાથી તેઓએ છુપાવી રાખેલ મિલકતો કોર્ટની જાણ બહાર વેચી નાખે તેવી પૂરેપૂરી શકયતા છે તેથી આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં. શ્રી સરકાર તરફેની આ રજૂઆતોને ધ્યાનમાં લઇ પ્રીન્સીપાલ સેશન્સ જજ ગીતા ગોપી મેડમએ આરોપી પીનાકીન જયંતભાઇ ગોહેલની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.

(11:46 am IST)