Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વાંકાનેર ભાજપમાં મોટું સખળ-ડખળ?

રાજકોટ : ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠક માટે શ્રી મોહનભાઇ કુંડારીયાને રીપીટ કરાતા વાંકાનેર પંથકમાં મોટો અસંતોષ પ્રજવળી રહ્યાનું બહાર આવી રહ્યું છે. શ્રી જીતુભાઇ જૂથ ભારે નારાજ હોવાનું અને તેમની સાથેની પ્રારંભીક ચર્ચાઓ સફળ ન રહ્યાની ભારે ચર્ચા છે. તેમનું મનદુઃખ દુર કરવા પ્રયાસો થઇ રહ્યાનું પણ જાણવા મળે છે.એવી ચર્ચા પણ છે કે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ શ્રી દિનુભાઇ વ્યાસના નિવાસે બેઠક થયેલ પરંતુ મનદુઃખ દૂર થયા ન હતાં.

દરમિયાન ગાંધીનગર સુધી આ વાતના પડઘા પડયાનું અને જીતુભાઇ જુથને મનાવી લેવા, મનદુઃખ દૂર કરવા, તેમનું સન્માન જળવાય તેવા પ્રયાસો હાથ ધરાયાનું પણ ચર્ચાય છે. જીતુભાઇ સાથે ૧પ-૧૬ કોર્પોરેટરોની પણ નારાજગીની ચર્ચા છે. પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહેલા શ્રી મોહનભાઇના વિજય આડે કોઇ વિધ્નો ન આવે તેવા પ્રયાસો થઇ રહ્યાની પણ ચર્ચા છે.

ભૂતકાળમાં ભાજપના સાંસદ શ્રી લલિતભાઈ મહેતા સામે સ્થાનિક ભાજપ અગ્રણીઓએ સફળ બળવો કરેલ અને નાગરિક સમિતિની રચના કરી નગરપાલિકામાં સત્તા હસ્તગત કરેલ તે વાત જાણીતી છે અને તેનુ પુનરાવર્તન ન થાય તેની તકેદારી રખાઈ રહ્યાનું પણ ચર્ચામાં છે.

દરમિયાન ભાજપના જ એક જુથે જીતુભાઈ જુથ વિરૂદ્ધ પ્રદેશ ભાજપ સુધી જીતુભાઈ વિરૂદ્ધ રજૂઆત કર્યાનંુ શ્રી મહમદ રાઠોડ જણાવે છે. તેમના કહેવા પ્રમાણે જીતુભાઈને ચૂંટણી ઈન્ચાર્જ બનાવવાની વાત મુકાયેલ જે મોહનભાઈએ નકારી કાઢતા વાતચીતનો દોર તૂટી ગયો હતો.

એવું મનાય છે કે ભાજપના મોવડીઓ કંઈક હલ કાઢશે.

(11:44 am IST)