Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

જામનગર પી.જી હોસ્પિટલમાં બે દિ' આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ

જામનગરમાં આર.ટી.ઇ અંતર્ગત ધોરણ-૧માં નિઃશુલ્ક પ્રવેશ અપાશે

જામનગર, તા.૩૦: તા. ૦૨ તથા ૦૪ એપ્રિલ ૨૦૧૯ના રોજ રૂમ નં.૦૧, ઓ.પી.ડી.બ્લોક, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રિલાયન્સ સુપર મોલ સામે પાંચ બંગલા રોડ, જામનગર ખાતે પ્રોસ્ટેટની તકલીફ જેવી કે વારંવાર પેશાબ જવું, પેશાબ અટકીને આવવો, પેશાબમાં દુખાવો કે બળતરા થવી, વધારે પડતો પીળો પેશાબ આવવો, પેશાબમાં જોર લગાવવું, સંતોષપૂર્વક પેશાબ ના થવો વગેરે જેવી પ્રોસ્ટેટની તકલીફ ધરાવતા લોકો માટે નિદાન તથા સારવાર માટેનો વિનામુલ્યે કેમ્પ સવારે ૦૯:૦૦ કલાક થી ૧૨:૦૦ અને બપોરે ૦૪:૦૦ થી ૦૫:૩૦ કલાક સુધી રાખવામાં આવેલ છે.

જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા આર.એમ.ઓ., પી.જી. આયુર્વેદિક હોસ્પિટલ જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

 આર.ટી.ઇ. અતર્ગત ધોરણ-૧માં વિના મુલ્યે પ્રવેશ અપાશે

જામનગરઃ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા ૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જૂથના બાળકોને ૨૫%મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ (પહેલા)માં જુન-૨૦૧૯ થી વિના મુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

આર.ટી.ઈ. એકટ હેઠળ પ્રવેશ માટે અરજીની પ્રક્રિયા ઓનલાઈન વેબ પોર્ટલ http://rte.orpgujarat.org પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ તા.૦૫ એપ્રિલ ૨૦૧૯ થી તા.૧૫ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં ઓનલાઈન  ફોર્મ ભરીને 'દેવરાજ દેપાળ પ્રાયમરી સ્કુલઃ બસસ્ટેન્ડ પાસે, જામનગર, 'નેશનલ હાઈસ્કુલ', આર્યસમાજ રોડ, ખંભાળીયા નાકા બહાર જામનગર, 'સજુબા ગર્લ્સ હાઈસ્કુલ', રણજીત રોડ, જામનગર, 'ન્યુ દિગ્વિજયસિંહજી હાઈસ્કુલ', ગ્રાઉન્ડ ફલોર, ખંભાળીયા નાકા બહાર, જામનગર, 'વિભાજી સરકારી હાઈસ્કુલ', ટાઉનહોલ પાસે, જામનગર ખાતે ઓનલાઈન ભરાયેલ ફોર્મ જરૂરી આધારો સાથે હાર્ડકોપીમાં તા.૧૬ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. આ રીસીવીંગ સેન્ટરો પરની પ્રક્રિયા બાદની માહિતી માટે અરજદારોએ પોતાના પ્રવેશ અંગે મળતા જરૂરી મોબાઈલ સંદેશાઓ જોતા રહેવાના રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

દિવ્યાંગ બાળકો માટે મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાઇ ગયો

 જામનગરઃ બી.આર.સી.ભવન જામનગર ખાતે શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો કે જે માનસિક ક્ષતિ અને જોવાની ખામી જેવી દિવ્યાંગતા ધરાવે છે અને દિવ્યાંગતા સર્ટિફિકેટ ધરાવતા નથી તેવા દિવ્યાંગ બાળકો માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા ચેક કરીને મેડિકલ સર્ટિફિકેટ આપવા માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે જામનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટરશ્રી ડોડીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પમાં જામનગરની પ્રાથમિક શાળાઓના માનસિક ક્ષતિ ધરાવતા ૫૩ અને જોવાની ખામી ધરાવતા ૩૫ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને ૮૮ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ એસેસમેન્ટ કરવામાં આવ્યા. તમામ બાળકો અને વાલીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયો હતો. સમગ્ર કેમ્પનું આયોજન અને વ્યવસ્થા બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી હિપલભાઈ ચંદ્રવાડિયા, આઈ.ઈ.ડી યુનિટના બી.આર.પી. આર.ટી. દ્વારા કરવામાં આવ્યું હતું આમ સમગ્ર મેડિકલ કેમ્પ સફળ રીતે સંપન્ન થયો હતો.

(10:32 am IST)