Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અમરેલીના RTE એક્ટિવિસ્ટ પર આજીવન પ્રતિબંધ લદાયો

આરટીઆઈ એક્ટિવિસ્ટ પર પ્રતિબંધની પહેલી ઘટના : માહિતી કમિશનરે કાયદાનો ઉપયોગ ઓથોરિટીને હેરાન કરવા, પોતાના ફાયદા માટે કરી રહ્યા હોવાનું કારણ આપ્યું

અમદાવાદ, તા. ૩૦ : ગુજરાત માહિતી કમિશનરે અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ પર આરટીઆઈ અરજી કરવા માટે આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. પોતાની જુદી જુદી આરટીઆઈ અરજી દ્વારા રાજ્યના જીએસઆરટીસી વિભાગમાં અનેક ગેરરીતિને ખુલ્લી પાડનારા અમરેલીના એક્ટિવિસ્ટ પર મૂકવામાં આવેલ પ્રતિબંધ કદાચ ભારતમાં પહેલી એવી ઘટના છે જેમાં બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભત હક પૈકી એક કલમ ૧૯ અંતર્ગત સરકારના કામકાજની જાણકારી મેળવવાના અધિકારને છીનવી લેવામાં આવ્યો હોય.

કમિશનરે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે અરજદાર મનોજ સરપદડિયા કાયદાનો ઉપયોગ ગેરજવાબદાર રીતે ઓથોરિટીને પરેશાન કરવા અને પોતાના ફાયદા માટે કરી રહ્યા છે જેના કારણે તેમના પર આજીવન પ્રતિબંધ મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અમરેલીના સાવરકુંડલના નિવાસી ૪૬ વર્ષીય સરપદડિયાને માર્ચ ૨૦૧૭માં જીએસઆરટીસીમાંથી કન્ડક્ટરની પોસ્ટ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર ટિકિટ વગર મુસાફરોને યાત્રા કરવા દઈને રુપિયાની કટકી કરવાનો આરોપ હતો. જે બાદ તેમને છેલ્લા વર્ષમાં ૧૭૦ જેટલી આરટીઆઈ અરજીઓ દાખલ કરી છે. જેમાં તેમણે જીએસઆરટીસીમાં આચરવામાં આવતી ગેરરીતિ, તેમજ વિભાગ દ્વારા આવા કર્મચારીઓ પર લેવામાં આવેલા પગલા અંગે માહિતી માગી છે.

સરપદડિયાએ સપ્ટેમ્બર ૨૦૧૯માં અરજી કરતા કર્મચારીઓ દ્વારા ગેરરીતિ મામલે યોજાયેલ જીએસઆરટીસીની વિજિલન્સ મીટિંગની મિનિટ્સ માગી હતી. જોકે ગુજરાત માહિતી કમિશનર રમેશ કારિયાએ નોંધ્યું કે સરપદડિયા દ્વારા કરવામાં આવતી આરટીઆઈ પાછળનો ઉદ્દેશ પોતાનો વ્યક્તિગત બદલો લેવાનો અને સરકાર તેમજ સક્ષમ ઓથોરિટી પર દબાણ લાવવાનો છે. ગત સોમવારે સરપદડિયાને માહિતી કમિશનર દ્વારા ૧૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કરવામાં આવેલ આદેશની કોપની મળી હતી. જેમાં જણાવાયું હતું કે, કમિશનને લાગે છે કે અરજદારનો કેનટેક્નર અભિગમ છે અને તેઓ એક એવા અરજદાર છે જે રાજ્યના અધિકારીઓ માટે સતત ઉપદ્રવ અને ખલેલ પેદા કરે છે. વાત તેની આરટીઆઈ અરજીઓની લાંબી યાદીમાં પ્રતિબિંબિત થઈ છે જ્યાં એવું લાગે છે કે એક કર્મચારી માત્ર એટલા માટે આરટીઆઈ હેઠળ અપ્રસ્તુત માહિતી માંગીને પોતાની સંસ્થાની મજાક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કારણ કે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તે બદલો લેવા માગે છે. આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરપદડિયા આરટીઆઈ એક્ટની મજાક કરી રહ્યા છે. સરપદડિયાએ એવી કોઈ માહિતી માંગી નથી જે તેની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ કાયદાના સૂત્ર સાથે સુસંગત લાગે. અધિનિયમની પ્રસ્તાવના સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરવા પર ભાર મૂકે છે પરંતુ અરજદાર એવી રીતે કામ કરી રહ્યો છે કે તે સરકારી કર્મચારીઓનું દબાણ કરી રહ્યા હોય તેવું લાગે છે. તેમ ગુજરાત માહિતી કમિશનરે ઉમેર્યું હતું.

સરપદડિયાએ કહ્યું હતું કે, મને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો કારણ કે મેં એસટીમાં ભ્રષ્ટાચાર સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, આનાથી મને આરટીઆઈ દાખલ કરવાનો અને જીએસઆરટીસીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો સમય મળ્યો હતો, પરંતુ હવે તેઓએ મને ચુપ કરવા માટે મારી પાસેથી તે અધિકાર પણ છીનવી લીધો છે.

(7:41 pm IST)