Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સોમવારથી જૂનાગઢ જિલ્લામાં ધો. ૯ અને ૧૧ની ૬૫૦ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશેઃ શાળાઓની ઓચિંતી મુલાકાત લેવાશેઃ ઉપાધ્યાય

કોવીડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા શિક્ષણાધિકારીની સૂચનાઃ સતત માર્ગદર્શન હેઠળ તૈયારીઃ ૩૩૫૬૦ વિદ્યાર્થીઓ શાળાએ આવવા થનગની રહ્યા છે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૩૦ :. રાજ્ય સરકાર દ્વારા ગત ૧૧ જાન્યુઆરીથી ધો. ૧૦-૧૨ની શાળા શરૂ કરવામાં આવી છે.

ત્યારે કોરોનાની સંખ્યામાં સંક્રમણમાં ઘટાડો થતા તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણમંત્રીની અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લઈ આગામી ૧ ફેબ્રુઆરીને સોમવારથી જૂનાગઢ જિલ્લાની ધો. ૯ અને ૧૧ની ૬૫૦ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલ છે.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે સોમવારથી ધો. ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે શાળાના આચાર્યો-સંચાલકોને સૂચના આપવામાં આવી છે કે કોરોનાની ગાઈડલાઈનનુ ચૂસ્તપણે પાલન કરવાનુ રહેશે અને વાલીઓ પાસેથી સંમતિપત્રક મેળવી લેવા તેમજ શાળામાં આવતા વિદ્યાર્થીઓને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરી સેનેટાઈઝ કરવા અને થર્મલગનથી ટેમ્પરેચર માપી અને પ્રવેશ આપવો. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લામાં ધો. ૯ની ૧૮ સરકારી ૧૫૮ ખાનગી ૨૨૩ ગ્રાન્ટેડ ૪ આશ્રમ શાળા મળી કુલ ૪૦૬ શાળા આવેલી છે. જેમાં ૨૧૬૦૬ વિદ્યાર્થીઓની સંખ્યા છે તેમજ ધોરણ ૧૧માં ૧૧ સરકારી, ૧૩૩ ખાનગી, ૯૬ ગ્રાન્ટેડ, ૩ આશ્રમ શાળામાં ૧૧૯૫૪ વિદ્યાર્થીઓની સંખ્યા છે. આમ બન્ને ધોરણોમાં કુલ ૩૩૫૬૦ વિદ્યાર્થીઓ છે. જેઓ ૧ વર્ષ જેવા સમયગાળા પછી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા માટે ઉત્સાહપૂર્વક થનગની રહ્યા છે ત્યારે શૈક્ષણિક સંકુલોમાં પણ તેમને આવકારવા આતુર બન્યા છે. ધીમે ધીમે શૈક્ષણિક કાર્યો શરૂ થઈ રહ્યા છે.

શ્રી આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં ઉમેર્યુ હતુ કે આજથી ત્રણ અઠવાડીયા પહેલા ધો. ૧૦ અને ૧૨નું શૈક્ષણિક કાર્ય ગત તા. ૧૧ જાન્યુઆરીએ શરૂ કરવામાં આવતા ધો. ૧૦ના ૨૨૯૫૮ અને ૧૨ના ૧૫૨૨૫ મળી કુલ ૩૮૧૮૩ વિદ્યાર્થીઓ પૈકી મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક શૈક્ષણિક કાર્યમાં જોડાયા હતા અને સોમવારથી ધો. ૯ અને ૧૧ની ૬૫૦ શાળાઓમાંથી ૩૩૫૬૦ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાવા આતુર છે અને ધો. ૯ થી ૧૨ના કુલ ૭૧૭૪૩ વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થશે. સોમવારથી શાળાઓમાં ધો. ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવામાં આવનાર છે. જેને લઈ તમામ શાળાઓને સ્વચ્છતા જાળવવા સેનેટાઈઝ કરવા માટે શ્રી ઉપાધ્યાયએ સૂચના આપી શાળાઓની ઓચિંતી મુલાકાત પણ લઈ રહ્યા છે.

(12:56 pm IST)