Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

હાલ ૧૮ ટકા છે : દર ઘટે તો ઉદ્યોગ ધમધમે

મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો જીએસટી ૧૨ ટકા કરવા માંગ

અમદાવાદ. તા.૩૦: મોબાઇલમાં આવતી ઘડિયાળોને કારણે કાંડા ઘડિયાળનો યુગ આમ પણ આથમી ગયો છે. જોકે, કોરોના કાળમાં વોલકલોકના બિઝનેસને પણ વ્યાપક અસર થઇ હતી. હજુ સુધી ઉદ્યોગ એમાંથી ઊગરી શકયો નથી ત્યારે અંદાજપત્રમાં જ જીએસટી ઘટાડવાનાં પગલાં લેવાય તેવી માગણી છે.

ઉદ્યોગો હવે પૂર્વવત થઇ ગયા છે પણ મોરબીમાં ઘડિયાળનું માત્ર ૫૦% જેટલું જ ઉત્પાદન શરૂ થઇ શકયું છે. ઘડિયાળ ઉદ્યોગમાં રાજય અને કેન્દ્રનો કુલ મળીને ૧૮ ટકા જીએસટી લાગે છે. તે ૧૨ ટકા કે તેનાથી ઓછો કરવા માટે માગણી કરવામાં આવી છે.

આ ઉદ્યોગમાં નાના ઉદ્યોગકારો કામકાજ કરી રહ્યા છે એટલે ટેકસમાં રાહત આપવી જરૂરી છે.

ઘડિયાળ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ રાજુભાઈ જણાવે છે કે મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ સૌથી વધુ મહિલાઓને રોજગારી આપે' છે. માત્ર મોરબીમાં જ આ ઉદ્યોગથી લગભગ ૧૪ હજાર જેટલી મહિલાઓ કામકાજ કરી રહી છે.

૧૫૦ જેટલાં ઘડિયાળ કારખાનામાં અંદાજિત રોજ ૧.૫૦ લાખ ઘડિયાળનું ઉત્પાદન થતું હતું. કોરોના કાળ બાદ પણ પૂર્વવત થઇ શકયું નથી તેવામાં જીએસટીનું ભારણ આકરું લાગી રહ્યું છે. કાચા માલના વેપારીઓને ત્રિમાસિક રિટર્ન ભરવાનો નિયમ પણ ગૂંચ સર્જે છે.

(10:18 am IST)