Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મકનસર ગામે મોકડ્રીલમાં અપૂરતી વ્યવસ્થા અંગે નારાજગી

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે મોરબીની મુલાકાત લીધી

મોરબી તા. ૩૦ : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા મોરબી આવી પહોંચ્યા હતા જયાં સવારે રેલ્વે પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ હોનર આપવામાં આવેલ અને બાદમાં અધિકારીએ ઇન્સ્પેકશન શરુ કર્યું હતું. જેમાં રેલ્વે સ્ટેશન ખાતે બનેલા નવા ગાર્ડનનું લોકાપર્ણ કર્યું હતું અને ગાર્ડનની મુલાકાત લીધી હતી પરંતુ ગાર્ડનમાં મુકેલા બાંકડા નીચા હોવાથી અધિકારીએ નારાજગી દર્શાવી હતી તેમજ બાદમાં મકનસર ખાતેના રેલ્વે સ્ટેશને મોકડ્રીલ યોજવામાં આવી હતી.

આગના બનાવ સમયે તંત્ર સાબદું છે કે નહિ તે જોવા માટે યોજેલી મોકડ્રીલમાં અનેક અવ્યવસ્થા અને ખામીઓ સર્જાઈ હતી તેમજ તંત્રની અવ્યવસ્થા પણ નજરે પડતા અધિકારી નારાજ થયા હતા અને સંબંધિત અધિકારીઓને તતડાવી નાખ્યા હતા જોકે તંત્ર સુધારવાનું નામ જ લેતું નથી કારણકે જીએમ ના ઇન્સ્પેકશનનું અગાઉથી નક્કી હોવા છતાં પણ તંત્ર પુરતી તૈયારી કરી શકયું ના હતું તો સામાન્ય સંજોગોમાં અધિકારીઓ કેવી ગંભીરતા દાખવતા હશે તે સવાલો પણ ઉપસ્થિત થયા છે.

જીએમ ગુપ્તાને પત્રકારોએ મોરબીને લાંબા અંતરની તેમજ સૌરાષ્ટ્ર સાથે જોડતી ટ્રેનો અંગે સવાલ કરવામાં આવ્યા હતા જેના જવાબમાં જણાવ્યું હતું કે પેસેન્જર ટ્રાફિક ઘટતું જાય છે મોરબી અને વાંકાનેરનું ટ્રાફિક ઘટતું હોવાથી ટ્રેનો ફાળવી શકાતી નથી.

(12:50 pm IST)