Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગોંડલનો જુગલ ભટ્ટ આજે ‘કૌન બનેગા કરોડપતિ'માં અમિતાભ બચ્‍ચન સામે હોટ સીટમાં બેસશેઃ મામાએ કેબીસીમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી

રાજકોટ: નાના પડદા ઉપર વર્ષોથી ધૂમ મચાવી રહેલા કોન બનેગા કરોડપતિ  શોમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ ઉપર બેસવાનું સપનું દેશના દરેક જણાં જોતા હોય છે. હાલ સોની ટીવી ઉપર આવતા KBC-12માં ગોંડલના કોમ્પ્યુટર એન્જિનિયર જુગલ રાજુભાઈ ભટ્ટને હોટ સીટ પર બેસવાની તક મળી છે.

સોમવારે સમય સમાપ્તિની જાહેરાત દરમિયાન હોટસીટ પર બેઠા હતા ગોંડલના જુગલ ભટ્ટ. એટલે આજે 29 ડિસેમ્બરના એપિસોડની શરૂઆત 28 ડિસેમ્બરના રોલઓવર કન્ટેસ્ટન્ટ જુગલ ભટ્ટ સાથે થશે.

ગોંડલની સેન્ટ મેરી સ્કૂલમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરીને રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થયેલ જુગલ ભટ્ટ બાળપણથી કોન બનેગા કરોડપતિ જુએ છે, પરંતુ તેણે સ્વપનામાંય વિચાર્યું નહતું કે, તે એક દિવસ KBCમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસશે.

પોતાના અભ્યાસ કાળમાં જુગલ જનરલ નોલેજ સહિત વિવિધ વિષયોની ડિબેટમાં ભાગ લેતો આવ્યો છે. જુગલને તેના મામાએ KBCમાં ભાગ લેવાની પ્રેરણા આપી.

જુગલ કેવી રીતે હોટસીટ પર પહોંચ્યો?

જુગલ ભટ્ટને લોકડાઉન દરમિયાન મે મહિનામાં મોબાઇલથી આપેલ પ્રાથમિક ટેસ્ટમાં પાસ થયા બાદ ઓનલાઇન અને એપ્લિકેશન દ્વારા અલગ-અલગ 6 જનરલ નોલેજ ટેસ્ટ, પર્સનલ ઈન્ટર્વ્યૂ બાદ ક્વોલિફાઇડ થતા ડિસેમ્બરના પ્રથમ વીકમાં મુંબઈ બોલાવ્યો હતો. જુગલ તેની માતા સાથે મુંબઈ પહોંચ્યા બાદ ત્યાં ફરીથી GK ટેસ્ટ અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સિલેક્ટ થતાં હોટસીટ પર પહોંચ્યો છે.

(4:39 pm IST)