Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ના આંગણે ઘનશ્યામ મહારાજના પાટોત્સવ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ગરીબોને ધાબળા અને અન્નકુટના પ્રસાદનું વિતરણ

રાજકોટ તા ૨૯  SGVP ગુરુુકુલ રીબડા (રાજકોટ)ખાતે તા.૨૪ થી ૨૬ ડીસેમ્બર દરમ્યાન શ્રી ઘનશ્યામ મહારાજના પ્રથમ વાર્ષિક પાટોત્સવ, શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાંઅને સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ઓન-લાઇન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.

    ત્રણેય દિવસ સાંજે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે ગીતા જયંતી નિમિત્તે ગીતા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવેલ.

     ઉત્સવ દરમ્યાન નવ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવેલ. જેમાં સુવર્ણ આભૂષણ શૃંગાર દર્શન, શાસ્ત્ર શૃંગાર દર્શન, કાષ્ટકલા શૃંગાર દર્શન, મોતી ભરતગુંથણ શૃંગાર રદર્શન, વનસ્પતિ શૃંગાર દર્શન, ડ્રાય ફ્રુટ શૃંગાર દર્શન, પુષ્પ શૃંગાર દર્શન, ફળકુટોત્સવ શૃંગાર દર્શન અને અન્નકુટોત્સવ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવેલ.

ગીતા જયંતીના દિવસે શ્રીઘનશ્યામ મહારાજનો પાટોત્સવ ઉજવાયો. જેમાં ૧૦૮ કળશ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજને અભેિષેક કરવામાં આવેલ.

    ઉત્સવના અંતિમ દિવસે  રાજકોટ તેમજ આજુબાજુના ગામો - ગુંદાસર, રીબ, પીપળિયા, ખાંભા, માખાવડ, મવડી, વાવડી, ઢોલરા વગેરે ગામોના બહેનોએ પોતાના હાથે પવિત્રપણે બનાવી લાવેલ ૧૫૧ વાનગીઓનો અન્નકૂટ ધરાવ્યો હતો.

    શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

      ફલકુટના ફળો, અન્નકુટનો પ્રસાદ અને ગરમ ધાબળા આવા કડકડતી ઠંડીમાં શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ગરીબોને  વિતરણ કરવામાં આવેલ.

વિતરણની વ્યવસ્થા સ્વામી ધર્મવત્સલદાસજી તથા  સ્વામી વેદાન્તસ્વરુપદાસજી અને ચેતનભાઇ રામાણીએ સંભાળી હતી.

 

(1:29 pm IST)