Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધ્રોલનાં મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં

જોડીયા, લતીપર, મોરબી, તરફ સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે આ રસ્તાઓ રીપેર કરવા લોકમાંગ

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા. ર૯ : ધ્રોલ શહેરના ગાંધીચોકથી જોડીયા રોડ તરફ જતા મુખ્ય માર્ગો જે પશુ દવાખાના પાસેના રોડ ઉપર છેલ્લા ચાર-ચાર માસથી ચોમાસુ પુર્ણ થવા છતા આ અતિ બિસ્માર સ્થિતીમાં પટકાયેલા આ રોડને રીપેર કરવાની કામગીરી કરવામાં આવતી નથી.

આ રોડ ઉપર આવેલા નાલા પાસેથી ગટરનું પાણી લીક થવાથી પાણીના હિસાબે પડેલા ગાબડાઓ રોજ બરોજ ઉંડાનેઉંડા થતાં જાય છે. પરિણામે આ ગાબડાઓમાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે.  ટુ વ્હીલર ચલાવતા ચાલકોમાંના દરરોજ બે થી ત્રણ લોકોના આ ગાબડાઅમાં અકસ્માત સર્જાય છે.તેમજ રીક્ષાચાકલોની કમાનો (પટ્ટા) તુટી જવાના બનાવો પણ બનેલ છે.

આ મુખ્યમાર્ગો ઉપર જોડીયા, લતીપર, મોરબી, તરફનો દરરોજના સેંકડો વાહનોની અવર જવર રહે છેત્યારે તેમજ ચાલીને જતા રાહદારીઓને આ ખાડાઓમાં વાહનો ચાલે ત્યારે આ ગટરના પાણીનો છંટકાવ રાહદારીઓને થાય છે. આ રોડ પર પડેલા ગાબડાઓમાં મચ્છરોનો ઉપદ્રવ થયેલ છે. પરિણામે ગંભીર રોગચાળો ફેલાવાની પણ શકયતાઓ રહેલી છે.

મૂખ્ય રસ્તો માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતો હોવાનું જાણવા મળેલ છે. તેમજ આ નાલા પાસે વર્ષોથી ગટરનું પાણી લીક થાય છે તે રીપેર કરવાની જવાબદારી સ્થાનીક નગરપાલીકાની છે. પરંતુ આ બાબતે પાલીકા તરફથી આ પાણીના નીકાલની કામગીરી ગોકળગાયની ગતીએ ચાલી રહેલ છે.

સરકારશ્રી તરફથી રસ્તા રીપેરીંગ માટે અંદાજે એકાદ કરોડ રૂ.ની ગ્રાન્ટ ફાળવેલ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતા ધ્રોલ શહેરના રસ્તાઓની અવદશા જ રહેલી છે ત્યારે તાકીદે આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરીને પ્રજાને સહન કરવી પડતી મુશ્કેલીઓનો અંત આવે તે અંગે વાહન ચાલકો સહિત નાગરીકોની માંગણી છે.

(12:52 pm IST)