Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભેંસાણમાં જાહેરમાં રમાતા વરલી મટકાના જુગારનો પર્દાફાશ

એક જ શખ્સે બે ઠેકાણે જુગાર શરૂ કરેલ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૯ : ભેંસાણમાં જાહેરમાં રમાતા વરલી મટકાનો જુગાર પકડી પાડી ક્રાઇમ બ્રાંચે બે શખ્સોની રૂ. ૩૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

જૂનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટીએ જુગારની પ્રવૃત્તિને ડામી દેવા સુચના જારી કરતા જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

એલસીબીના પી.આઇ. ભાટી અને પીએસઆઇ બડવાના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ સાહિલભાઇ વગેરેએ ભેસાણમાં બે જગ્યાએ દરોડા પાડયા હતા.

જેમાં ભેંસાણની અક્ષરધામ સોસાયટી પાસેથી દિલીપ બસરાણીને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતો પકડી પાડવામાં આવેલ.

આ ઇસમ પાસેથી રૂ. ૧૮ હજારની રોકડ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૩,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દિલીપ બસરાણી સામે ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

બીજો દરોડો ક્રાઇમ બ્રાંચે ભેંસાણમાં પરબ રોડ પર પાડીને વિરલ ડાયાભાઇ નામના શખ્સને રૂ. ૧૦,૧૫૦ના મુદ્દામાલ સાથે વરલી મટકાનો જુગાર રમતો અને રમાડવા સબબ ઝડપી લીધો હતો.

આ બંને જુગારનો સંચાલક ભેંસાણનો મેરામણ જીલુભાઇ ધાધલ હોવાનું ખુલતા તેની સામે પણ પોલીસમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:48 pm IST)