Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

લીંબડીમાં ઓફિસમાં ઘૂસી વકિલ ઉપર છરીથી હૂમલો

વઢવાણ, તા.૨૯: લીંબડી શહેરમાં એક વકીલ પર ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.  વકીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટના સ્થળેથી મળી આવ્યું છે. હુમલાના સમાચાર સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. વકીલ બી.જે. પટેલ પર જીવલેણ હુમલા પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. એવી માહિતી મળી છે કે વકીલને હુમલાખોર સાથે છેડતી બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી.

વકીલ જયારે પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે યુવક છરી સાથે ધસી આવ્યો હતો અને વકીલ પર મસાલો ઉડાવ્યો હતો. યુવકના આવા કૃત્યથી વકીલ પોતાની આંખો ચોળવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકે વકીલને પોતાની પાસે રહેલી છરી હુલાવી દીધી હતી. હુમલા બાદ યુવક ભરચક બજારમાંથી નાસી ગયો હતો. બી.જે. પટેલના બીજા વકીલ મિત્રો પણ હુમલા વખતે ઓફિસમાં હાજર હતા.

યુવકે જે રીતે હુમલો કર્યો છે તેના પરથી આ પૂર્વઆયોજિત કાવતરું હોવાનું લાગી રહ્યું છે. હુમલા બાદ પોલીસે યુવકની શોધખોળ આદરી છે.

(11:53 am IST)