Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વિજયભાઇ રૂપાણી ગુરૂવારે દ્વારકાધીશ ભગવાનના દર્શને

મહેર સમાજના સમારંભમાં ઉપસ્થિત રહેશે : શિવરાજપુર બીચની મુલાકાત લે તેવી સંભાવના

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૨૯ : નાતાલના મીની વેકેશન અને વર્ષ ૨૦૨૦ના અંતિમ દિન ૩૧મી ડિસેમ્બરના રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારકા આવી રહ્યાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે અને દ્વારકાધીશના દર્શન કરી મુખ્યમંત્રી છસ્સો લોકોની ઉપસ્થિતિમાં સર્કીટ હાઉસ પાસેના પટાંગણમાં એક જાહેર કાર્યક્રમમાં દ્વારકાના કોઇ મહત્વના વિકાસલક્ષી યોજનાની જાહેરાત કરી શકે તેવું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ તા. ૩૧ ડિસેમ્બરના દિને કચ્છ જિલ્લામાં કોઇ કાર્યક્રમમાં હાજરી આપીને સીધા દ્વારકા આવનાર છે અને દ્વારકા ખાતે રોકાણ કરીને કદાચ શિવરાજપુર બીચની પણ મુલાકાત લ્યે તેવી પૂરેપૂરી શકયતાઓ છે. બે દિવસ પૂર્વે જ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીનાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇને સર્કીટ હાઉસ પાસેના ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ ગ્રાઉન્ડમાં મંડપ સહિતની વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.  અત્રે એ નોંધનિય છે કે દ્વારકા તથા બેટ દ્વારકા અને આસપાસના પ્રવાસન સ્થળો તથા ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચ વિકાસ કાર્યો પૂર્ણ થયા છે અને વધુ વિકાસ કાર્યોની હારમાળા અવિરત ચાલી રહી છે ત્યારે ૩૧મી ડિસેમ્બરે મુખ્યમંત્રી દ્વારા દ્વારકાના વિકાસની કોઇ યોજનાની ભેટ વર્ષ ૨૦૨૧ માટે જાહેર કરશે તેવું વર્તુળોએ ઉમેર્યું છે.

પ્રવાસન લક્ષ્મી શિવરાજપુર બીચનો વિકાસ રાજ્ય સરકારની સિધ્ધી

દ્વારકા તા. ૨૯ : દ્વારકાથી ૧૦ કિમી દુર આવેલ પ્રકૃતિ અને સૌંદર્યના અદ્ભૂત નમૂનારૂપ શિવરાજપુર બીચને તાજેતરમાં જ બ્લુ ફલેગ બીચનો દરજ્જો મેળવીને આ બીચને ઇન્ટરનેશનલ કક્ષાએ સ્થાન આપવામાં રાજ્ય સરકારના પ્રયત્નો પ્રશંસાને પાત્ર બન્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય કક્ષાએ બીચના વિકાસને ડ્રીમ પ્રોજેકટ બનાવ્યો હોય તેમ અંગત રસ લઇને વિકાસ યોજનાને આખરી ઓપ આપ્યો છે જે ગુજરાતના મહત્વકાંક્ષી યોજનામાં સિધ્ધીરૂપ અને ગુજરાતના ગૌરવ સમાન છે.

વિજયભાઈ રૂપાણી ગુરૂવારે દ્વારકાના સિગ્નેચર બ્રિજની મુલાકાત લેશેઃ ભાજપ આગેવાનો સાથે બેઠક

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૯ :. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ગુરૂવારે દ્વારકામાં આગમન થશે.

બપોરે દોઢ વાગ્યે તેઓ મીઠાપુરમાં હેલીકોપ્ટરથી આવીને ત્યાંથી ઓખા-બેટના સિગ્નેચર બ્રિજની મુલાકાત તથા કાર્યની પ્રગતિ અંગે જાણકારી મેળવશે તે પછી દ્વારકામાં ૧૫૦ થી ૨૦૦ કાર્યકરોની મર્યાદીત સંખ્યાવાળા એક કાર્યક્રમમાં હાજરી આપશે તથા આ પછી જગત મંદિરમાં કાળીયા ઠાકરના દર્શન કરશે. આવો કાર્યક્રમ હોય જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

શ્રી રૂપાણી મુખ્યમંત્રી થયા કે તુર્ત જ ખંભાળિયામાં કોર્ટના બિલ્ડીંગના ભૂમિપૂજનમાં આવ્યા હતા તે પછી ફરીથી દ્વારકાની મુલાકાતે આવે છે.

(12:49 pm IST)