Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધર્મ પરિવર્તનની ધમકી આપી નિકાહ કરવા દબાણ કરનાર ભુજના યુવાનના જામીન નામંજૂર

ઓળખ અને ધર્મ છુપાવી ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ કર્યા બાદ નિકટતા કેળવી જાતીય સતામણી કરવાનો બનાવ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૯ :સગીર અને યુવાન વયે છોકરીઓ સોશ્યલ મીડિયા દ્વારા યુવાનો સાથે ફ્રેન્ડશીપ કેળવે એ આજે સામાન્ય બાબત છે. અહીં ભુજનો બનેલો એક કિસ્સો એ સૂચવે છે કે, ફ્રેન્ડશીપ સમયે સાવધાની સાથે સબંધો કેળવવા જોઈએ.

પોલીસ ફરિયાદ બાદ કોર્ટના દ્વારે પહોંચેલા આ કિસ્સાની વિગત પ્રમાણે ગત વર્ષ ૨૦૧૯માં ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા આરોપી સમીર ઓસમાણ લંઘાએ સેમ નામથી ભુજની સગીર યુવતી સાથે ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ કરી નિકટતા કેળવી હતી. પણ, ત્યાર બાદ સગીર યુવતીને સેમની સચ્ચાઈ અંગે જાણ થતાં તેણે સેમને પોતાથી દૂર રહેવા જણાવ્યું હતું.

પરંતુ આરોપી સમીર ઉર્ફે સેમે પોતાનો ધર્મ અને ઓળખ છુપાવ્યા બાદ પણ યુવતીની ના છતાએ તેણીની પાછળ પીછો કરી કોલેજ અને ઘેર જઈ તે યુવતીને પોતાની સાથે સબંધ બાંધવા અને નિકાહ કરવા દબાણ કરતો હતો. આરોપી સેમે પોતાની પાસે રહેલા એ યુવતીના ફોટા વાયરલ કરવા ધમકી આપતો હતો.

આ મામલે પોકસો સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધાયો હતો. જે અંતર્ગત ભુજની બીજી સેશન્સ કોર્ટમાં જામીન અંગે કરાયેલી આરોપી સમીર ઓસમાણ લંઘાની જામીન અરજી જજ પી.એસ. ગઢવી ગુનાની ગંભીરતા ધ્યાને લઇને નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર તરફે વકીલ એચ.બી. જાડેજા તથા ફરિયાદીના વકીલ તરીકે નિપુણ માંકડ હાજર રહ્યા હતા.

(10:36 am IST)