Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોરબી ખાટીકીવાસ પ્રકરણમાં ૧૩ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે, બે હથિયાર જપ્ત

મુખ્ય આરોપી સહીત ત્રણ શખ્શો હજુ પોલીસ પકડવાના બાકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૯: ખાટકીવાસ વિસ્તારમાં બઘડાટી અને ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસે સતત ધરપકડ કરીને ઝડપી લીધેલ આરોપી પૈકી ૧૩ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે તો એક આરોપી હજુ રિમાન્ડ પર છે જયારે મુખ્ય આરોપી સહીત ત્રણ ઈસમો હજુ પોલીસ પકડથી દુર છે જેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો ફાયરીંગમાં વપરાયેલ બે હથિયારો પોલીસે કબજે લીધા છે.

મોરબીના ખાટકીવાસમાં બઘડાટી બોલી ગયા બાદ બંને પક્ષે એક એક યુવાનના મોત થયા હતા જે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે રવિવાર સુધીમાં કુલ ૧૪ આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા જે પૈકી ૧૩ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યા છે તો ઝડપાયેલ આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનીયા પાસેથી બે હથિયારો પોલીસે રીકવર કર્યા છે જયારે આરોપી રઉફ રફીકભાઈ માંડવીયાના મંગળવારે સાંજે રિમાન્ડ પૂર્ણ થશે તો બઘડાટી અને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી મમુ દાઢી સહિતના ત્રણ ઈસમો હજુ પોલીસ પકડથી દુર છે જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે તો ફાયરીંગમાં વપરાયેલ એક હથીયાર હજુ રીકવર કરવાનું બાકી હોય જે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:56 am IST)