Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ખોરાણાથી રતનપર સુધીનો રસ્તો ડામરથી મઢવા જિલ્લા પંચાયતમાં આવેદન

રાજકોટઃ જિલ્લા પંચાયત ખાતે ખોરાણાના સરપંચ આર.આર. રામાણી, ભાજપ અગ્રણી ભાવેશ દેથરિયા વગેરેએ પ્રમુખ કાર્યાલયમાં પુર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાને આવેદન આપેલ તે પ્રસંગની તસ્વીર.(૧.૨૯)

રાજકોટ તા. ર૮: મોરબી રોડ પર ખોરાણા ગામની રતનપર ગામ સુધીનો રસ્તો હાલ સાવ કાચો હોય આ રોડ પર ભારે ટ્રાફીક રહેતો હોય ખોરાણા ગ્રામવાસીઓને આ કાચા રસ્તાને કારણે વાહન દ્વારા અવર-જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તેમજ કોઇ મેડીકલ ઇમરજન્સી જેવા કેસોમાં પણ એમ્બ્યુલન્સને આવવા-જવામાં ભારે તકલીફ પડતી હોય, આ રસ્તા પર તાત્કાલીક ધોરણે ડામર રોડ કરવામાં આવે એવી અહીનાં ગ્રામજનોએ વારંવાર રજુઆત કરી છે.

હાલ એસ.ટી. બસ સેવા પણ આ રોડ પર નથી એટલે પ્રાઇવેટ વાહન કે એમ્બ્યુલન્સની અવર-જવર કરવા માટે સરળતા રહે તે માટે આ રસ્તા પર તાત્કાલીક ધોરણે ડામર કામ કરવામાં આવે તેવી આજના સમયની માંગ છે.

હવે ગુજરાત રાજય સરકાર દ્વારા ગામથી ગામને જોડતા પાકા રોડની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે ત્યારે ખોરાણા ગામથી રતનપર ગામ સુધીના રસ્તાને ડામર રોડ કરવાથી ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવશે અને તેમને પાકા રોડની સુવિધા મળશે. તેમ આજે ગામના સરપંચ સહિતના અગ્રણીઓએ જિલ્લા પંચાયતમાં રજુઆત કરી હતી. જોકે જિલ્લા પંચાયતના સભ્ય નાગજીભાઇ ડોડિયાએ રજુઆતના પ્રત્યુતરમાં જણાવેલ કે રસ્તાના કામ માટે પંચાયતે સરકારમાં દરખાસ્ત કરી છે. સરકારની મંજુરીની રાહ જોવાઇ રહી છે.(૧.૨૯)

(12:05 pm IST)