Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીમાં ઇન્કમટેક્સ ચુકવતા ૫૪૪૭ ખેડૂતોએ કિશાન સન્માન નિધિનો લાભ લઇ લીધો.

મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેરના ટંકારાના ૩૨૪ ખેડૂતોએ ૨૬.૬૮ લાખ પરત કર્યા.

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ચુકવવામાં આવતી વાર્ષિક ૬૦૦૦ રૂપિયા કિશાન નિધિનો મોરબીમાં ઇન્કમટેક્સ ચુકવતા ખેડૂતોએ પણ લાભ લીધો હોવાથી સરકારના આદેશ તળે ૫૪૪૭ જેટલા ખેડૂતોને ૫ કરોડ ૩૯ લાખ ૭૨ હજાર જેટલી રકમ ચુકવવામાં આવી હોય તે પરત મેળવવા કાર્યવાહી શરુ થઇ છે અને હાલમાં ૩૨૪ જેટલા ખેડૂતોએ આ કિશાન નિધિની ૨૬.૬૮ લાખ રૂપિયાની રકમ પરત ચૂકવી દીધી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો સન્માનભેર જીવી શકે તે માટે કિશાન સહાય નિધિ યોજના શરૂ કરી છે જે અંતર્ગત દેશના ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા કિશાન સન્માન નિધિ તરીકે ચુકવવામાં આવે છે જેમાં મોરબી જિલ્લામાં ઇન્કમટેક્સ ચુકવતા હોય અને સારી આવક ધરાવતા ૫૪૪૭ ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો હોવાનું સરકારના ધ્યાને આવતા કિશાન નિધિની રકમ પરત મેળવવા કાર્યવાહી શરુ થઈ છે.
જે અંતર્ગત મોરબી જિલ્લાના ૩૨૪ ખેડૂતોએ હાલમાં ૨૬.૬૮ લાખ રૂપિયા સરકારમાં પરત જમા કરાવી દીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ઇન્કમટેક્સ ભારત હોય તેવા ૫૪૪૭ ખેડૂતો પૈકી મોરબી તાલુકામાં ૨૦૮૬, હળવદમાં ૮૭૮, માળિયામાં ૭૯૮, ટંકારાના ૧૧૨૧ અને વાંકાનેરના ૫૬૪ ખેડૂતોએ લાભ મેળવી લીધો છે જેમને આ રકમ પરત ચુકવવા સૂચના આપવામાં આવતા ઇન્કમટેક્સ ભરપાઈ કરતા ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે અને ફટાફટ આવી રકમ પરત પણ ચુકવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અનેક કિસ્સામાં ખેડૂત પરિવારોમાં પતિ અને પત્ની બન્ને આવી કિશાન નિધિની રકમ મેળવી રહ્યા હોવાનું સરકારના ધ્યાને આવતા આવા કિસ્સામા પણ રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાના સંકેતો મળી રહ્યા છે.

(11:40 am IST)