Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જસદણ-વિંછીયાની પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ સોમાભાઇનું નામ ઉમેરાતા ભારે ચર્ચા

જસદણ તા.૨૯: જસદણ-વિંછીયા તાલુકાની પેટા ચૂંટણીમાં હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નથી થઇ શકી અને સ્થાનિક દસ ઉમેદવારમાંથી હજુ સુધી પાર્ટી નામ નક્કી નથી કરી શકી. ત્યારે આજે છેલ્લા સમાચાર મુજબ સંભવિત ઉમેદવારોની યાદીમાં સોમાભાઇ ગાંડાભાઇ (માજી સાંસદ -સુરેન્દ્રનગર)નું નામ ઉમેરાતા ભારે ચર્ચા જાગી છે.

આ અંગે કોંગ્રેસના અંગત સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ કુંવરજીભાઇની સામે લડાઇ લડી શકે તેવો અને વિશ્વાસુ ઉમેદવાર સ્થાનિક માંથી કોણ એ પ્રશ્નને લઇ હાલ કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે.

આમ જોવા જઇએ તો ભોળાભાઇ ગોહિલ સહિત સ્થાનિક કોળી ઉમેદવારોને રાજકારણની સફળ યાત્રા કરાવવામાં કુંવરજીભાઇ જ તેમના સારથી બન્યા હોય કોંગ્રેસ પક્ષ સંભવિત આવા ઉમેદવારો કયાંક તોડ જોડના રાજકારણમાં કે પછી સ્થાનિક આગેવાનોનાં દબાણમાં આવી  ન જયા તે માટે મનોમંથન કરી રહયા હોય નામની જાહેરાતમાં થોડુ મોડુ થયું હોવાનું પણ કારણ હોવાનું સુત્રોનું કહેવું છે.

આ માટે જ ગત રાત્રે સોમા ગાંડાના નામનો ઉમેરો થતા હાલ સોમા ગાંડા અને અવસરભાઇ નાકિયા ના નામ ઉપર ચર્ચા ચાલી રહી છે.

આ ઉપરાંત તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં ભળેલા લાલજીભાઇ મેરનું નામ પણએક તબક્કે વિચારણામાં લેવાયું હતું.

સોમા ગાંડા જુના ભાજપી હોવા છતા હાલ ભાજપની સામે પુરી તાકાતથી કામે લાગેલા છે. ત્યારે જસદણ-વિંછીયામાં કોળી મતદારો વધુ હોવા ઉપરાંત સોમા ગાંડા લડાયક ઉમેદવારની છાપ ધરાવતા હોય હવે કોને કોંગ્રેસ ટીકિટ ફાળવે છે તે સાંજ સુધીમાં જાહેર થઇ જશે.

(4:00 pm IST)