Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ભાવનગર જીલ્લાના ઘોઘાના ઓદરકા ગામની પરિણિતાને આપઘાતની ફરજ પાડવા અંગે પતિ-સાસુને ૭ વર્ષની સજા

ભાવનગર, તા.૨૯: પાંચ વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પત્નિને મરવા મજબુર કરનાર પતિને સાત વર્ષની અને સાસુને ત્રણ વર્ષની કેદની સજા ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે.પરાસરે ફટકારી હતી. જયારે અન્ય ચાર આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો. સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની દલીલો અને મૌખીક અને લેખીત પુરાવા અદાલતે ધ્યાને લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી કનકબા પ્રભાતસિંહની દિકરી પ્રિતીબા ઉર્ફ ખમાબાના લગ્ન આઠ માસ પહેલા ગજેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ ઉ.વ.૩૨ રહે. ઓદરકા તા. ઘોઘા જિ. ભાવનગર સાથે થયેલા હોય લગ્નના થોડા દિવસ બાદ આ કામના આરોપીઓ (૧) ગજેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ (ઉ.વ.૩૨)(૨)ધીરજબા કિરીટસિંહ ગોહિલ (ઉ.વ.૬૨ રહે. ઓદરકા)(૩)દિલુભા નાથુભા જાડેજા (ઉ.વ.૪૬ રહે. સણોસરા, તા. ધ્રોલ. જી.જામનગર)(૪)હરપાલસિંહ ગણપતસિંહ જાડેજા(ઉ.વ.૨૮, રહે. સણોસરા જી.જામનગર)(૫)મનસાબા ગણપતસિંહ જાડેજા(ઉ.વ.૪૮ રહે. સણોસરા, જી. જામનગર)(૬)સુમતબા દિલુભા જાડેજા(ઉ.વ.૪૦ રહે. સણોસરા, જી. જામનગર) સહિતના આરોપીઓએ ફરિયાદીની દીકરી પ્રિતીબાને ''તુ ગમતી નથી, કામ બરાબર કરતી નથી.'' તેમ મેણાટોણા મારી, મારકુટ કરી, શારીરીક-માનસીક ત્રાસ આપી, મરવા મજબુર કરતા પ્રિતીબા ઉર્ફ ખમાબાએ પોતાની જાતે ગત તા.૧૫/૮/૨૦૧૩નાં રોજ એસીડ પી લેતા તેણીને ગંભીર હાલતે સારવાર અર્થે જામનગરની હોસ્પીટલમાં ખસેડાયેલ. જયા સારવાર દરમ્યાન તેણીનું ગત ૧૧/૧૦/૨૦૧૩નાં રોજ મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવ અંગે ફરિયાદી જાડેજા કનકબા પ્રભાતસિંહ જે તે સમયે ઉકત આરોપીઓ સામે સીટી 'બી' ડીવીઝન પો. સ્ટેશન જામનગર ખાતે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ઉકત આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૬, ૪૯૮,(ક), ૩૨૩, ૧૧૪ મુજબનો ગુનો નોંધીયો હતો. જામનગરનો આ ગુનો ઘોઘા પોલીસ સ્ટેશનની હદમાં હોય ફરીયાદ ઘોઘા પો.સ્ટે. તરફ મોકલી આપવામાં આવી હતી. અને ઉકત આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગેનો કેસ આજરોજ બુધવારે ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે ખાંભલ્યાની દલીલો, મૌખીક પુરાવા ૧૮, લેખીત પુરાવા ૫૫, વિગેરે ધ્યાને લઇ મુખ્ય આરોપી નં.૧ ગજેન્દ્રસિંહ કિરીટસિંહ ગોંહિલને ઇ.પી.કો. ૩૦૬, ૧૧૪ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદની સજા, રૂ.૧૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા, ઇ.પી.કો. કલમ ૪૯૮(ક), તથા ૧૧૪ મુજબ ગુના સબબ આરોપી ગજેન્દ્રસિંહને ત્રણ વર્ષની કેદ અને રૂ. પાંચ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા તથા આરોપી નં.૨ ધીરજબા કિરીટસિંહ ગોહિલ (સાસુ)ને ઇ.પી.કો. કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ત્રણ વર્ષની કેદની સજા રૂ. ૧૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા ઇ.પી.કો. કલમ ૪૯૮(ક), ૧૧૪ મુજબના ગુનામાં ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. ૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો ત્રણ માસની કેદની સજા આરોપીઓ પાસેથી દંડની રકમ રૂ.૪૦ હજાર વસુલ આવે તેમાંથી ગુજરનારાના માતા ફરિયાદી કનકબા જાડેજાને વળતર તરીકે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

(12:12 pm IST)