Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમરેલી જિલ્લામાં ખેલાડીઓને રમતગમતનું પ્લેટફોર્મ પુરૂ પડાશે

અમરેલી જી.માં ફિટ ઇન્ડીયા મુવમેન્ટ ઉજવણી અંતર્ગત બેઠક સંપન્ન

અમરેલી,તા.૨૯:અમરેલી જિલ્લામાં યોજાનાર ફિટ ઇન્ડીયા મુવમેન્ટના સુચારૂ આયોજન અર્થે (ઈ.ચા.) જિલ્લા કલેકટરશ્રી સી. એમ. પાડલીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં (ઈ.ચા.) જિલ્લા કલેકટર સી. એમ. પાડલીયાએ જણાવ્યુ કે, જિલ્લાના ખેલાડીઓમાં રમત-ગમત ક્ષેત્રે અભિરુચિ કેળવાય, ખેલ વાતાવરણનું નિર્માણ થાય તેમજ ખેલાડીઓમાં પોતાની પ્રતિભા બહાર લાવવા રાજય સરકારના ખેલ મહાકુંભનું પ્લેટફોર્મ મળ્યું છે ત્યારે જિલ્લાના ખેલાડીઓને વધુમાં વધુ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન થાય તે માટે તમામ સંબંધિત અધિકારીઓએ કાળજી રાખવા લાગણી વ્યકત કરી હતી. વધુમાં વધુ ખેલાડીઓ તેમાં શાળાના અન્ય ખેલાડીઓ પણ રજિસ્ટ્રેશન કરાવી ભાગ લે તે ઇચ્છનીય છે.

આ ઉપરાંત ખેલ મહાકુંભના પૂર્વે તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રમત-ગમત પ્રવૃત્ત્િ।માં પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓમાં, આમ જનતામાં તથા ખેલકૂદ અંગે જાગૃતિ કેળવાય તે આયોજન કરવા જણાવ્યું હતું. ગ્રામ પંચાયતમાં પ્રભાતફેરી, કબડ્ડી, રસ્સા ખેચ જેવી સ્પર્ધાઓ યોજાય તે જોવાનું રહેશે. સ્કૂલમાં આર્ચરી, વોલીબોલ, ટેનિસ, ટેકવેન્ડો, હેન્ડબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોનું આયોજન કરવા ભાર મૂકયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રવજીભાઈ વાદ્યેલાએ જણાવ્યું હતું કે, રાજયમાં ખેલાડીઓ રમત ગમત પ્રત્યે ખેલદિલીની ભાવના પ્રગટ થાય અને ખેલાડીઓમાં રહેલી પ્રતિભા શોધીને બહાર લાવવા માટે પ્રતિ વર્ષે સમગ્ર રાજયમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન માટે તારીખ ૩૧મી ઓગસ્ટ ૨૦૧૯ સુધી થશે. જેથી જિલ્લાના ખેલાડીઓને રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.

જિલ્લામાં, જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષા સહિત વિવિધ શાળા, કોલેજો ખાતે એથ્લેટીકસ અને ફિટનેસ રમતો સવારના ૮ થી ૧૦ દરમિયાન યોજાશે. અમરેલીના લાઠી રોડ પર સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે વડાપ્રધાનશ્રી દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમના લોન્ચિંગનું અને ફિટનેસ પ્રતિજ્ઞાનું જિવંત પ્રસારણ ડીડી-૧ (દૂરદર્શન) ઉપરથી સવારે ૧૦/૦૦ કલાકે કરાશે, જેનું નિદર્શન પણ રાખવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા વહીવટતંત્ર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના સૌ નાગરિકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે (ઈ.ચા.) જિલ્લા કલેકટરશ્રી સી. એમ. પાડલીયા દ્વારા જાહેર વિનંતિ કરવામાં આવી છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, પ્રાંત અધિકારી સર્વ ઓઝા, જોશી, ડાભી, જિલ્લા શિક્ષણાધીકારી જાદવ, નાયબ માહિતી નિયામક બી. એસ. બસિયા તથા જિલ્લા અને તાલુકાના તમામ સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)