Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હાપલીયા પાર્કમાંથી પટેલ સગીરા ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો

૨૬મીએ રાત્રે દસેક વાગ્યે ઘરમાંથી ગાયબ થઇ ગઇઃ આજીડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૯: કોઠારીયાના હાપલીયા પાર્કમાંથી પટેલ સગીરા ગૂમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે હાપલીયા પાર્ક-૬માં રહેતાં અને અટીકામાં કારખાનુ ધરાવતાં જેન્તીભાઇ દેવરાજભાઇ હરસોડા (પટેલ) (ઉ.૫૨)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધાયો છે. જેન્તીભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં એક દિકરી અને દિકરો છે. જેમાં દિકરી નાની એટલે કે ૧૭ વર્ષ ૯ માસની વય ધરાવે છે. ૨૬મીએ રાત્રે દસેક વાગ્યે પોતે, પત્નિ અને દિકરી ઘરે હતાં. દિકરો બહાર આટો મારવા ગયો હતો. એ વખતે દિકરી ઘરમાંથી ગૂમ થઇ ગઇ હતી. તપાસ કરવા છતાં કયાંય મળી નહોતી.

ઘરના દિકરીના કબાટમાંથી મોબાઇલના બે સિમ કાર્ડ મળી આવ્યા હતાં. જેમાંઅલગ-અલગ નંબર સેવ કરેલા હતાં. તેમજ અમુક મેસેજ આવ્યા હતાં. તેના પર ફોન કરવા છતાં કોઇ ફોન ઉપાડતું નહોતું. દિકરી ગૂમ થઇ ત્યારે તેણે બ્લુ ઝભ્ભો અને પોપટી લેગીંગ્સ પહેરી હતી. તે ઘઉં વર્ણી છે અને ડાબા હાથે કલાઇ પર ટેટૂ ત્રોફાવેલુ છે. તેમજ સોનાનો હાર અને કાનમાં બુટી પહેરી છે. તેણી પાસે થોડા પૈસા પણ હતાં. કોઇ લલચાવી ફોસલાવી કે અન્યય કારણોસર અપહરણ કરી ગયાની શંકા છે. પીએસઆઇ આર. વી. કડછાએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(4:07 pm IST)