Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઉના તાલુકા કિશાન સંઘની રેલી નીકળી : નુકસાનીનું વળતરની માંગ

ઉના, તા. ર૯ : ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન, વીજ તંત્રની કનડગત, ખેડૂતોના પાક વીમો, જંગલી પ્રાણીથી ખેડૂતોને રક્ષણ વિવિધ મુદે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉના તાલુકાના ભારતીય કિશાન સંઘ દ્વારા રેલી બાદ યોજાયેલ ખેડૂતોનું એક સંમેલન યોજેલ જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશાન સંઘના વિઠ્ઠલભાઇ દુધાત્રા તથા પ્રદેશ જીલ્લાના કિશાન સંઘના આગેવાનોએ હાજરી આપેલ. ઉના તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ બાબુભાઇ અરજણભાઇ મકવાણાએ જણાવેલ કે જુલાઇ માસમાં ભારે વરસાદ અને નદીઓના પૂરને કારણે ખેડૂતોના ખેતરની જમીન ધોવાઇ સંપૂર્ણ નાશ પામી છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ છે. હજુ સુધી અતિવૃષ્ટિનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવાયેલ નથી. ઉપરાંત વીજ કર્મચારીઓ દ્વારા ખેડૂતોને કનડગત, જમીનના રીસર્વેમાં થયેલ ગોટાળા, ખેડૂતોને પાક વિમો, થ્રીફેઝ વિજળી ૧૦ કલાક પુરતા દબાણથી આપવી, જંગલી પ્રાણીથી ખેડૂતોને થયેલ માલઢોરની પૂરેપૂરી નુકશાની ચૂકવવા , બાગયત પાક આંબા-નાળીયેરી-ચીકુને પાક વિમામાં સમાવેશ કરવા, દરેક ગામડાઓમાં ઇ-ગ્રામ યોજનામાં (૭/૧ર-૮અ) દાખલા આપવા ઉના-ગીરગઢડા તાલુકામાં ખરીદ કરાયેલ ટેકાના ભાવની મગફળી ખરીદીમાં થયેલ મોટાપાયે ગોટાળાની તપાસ કરવાની માંગણીની ચર્ચાઓ કરી. એક આવેદનપત્ર પ્રાંત કચેરીએ જઇ આપી વિરોધ કરેલ. તાલુકાના તમામ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતાં.(૮.૪)

(11:57 am IST)