Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

દ્વારકામાં જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રા

કાન્હા વિચાર મંચ દ્વારા આયોજનઃ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાનો હાજરી આપશે

દ્વારકા તા.૨૯: ભગવાન શ્રી કૃષ્ણ નગરીમાં આગામી જન્માષ્ટમીના દિને કાન્હા વિચાર મંચ આયોજીત ભવ્ય શોભા યાત્રાની તમામ આખરી તેૈયારીઓને નગરમાં ઓપ આપવામાં આવી રહયો છે. કાન્હા વિચાર મંચના રાજય કક્ષા અને સોૈરાષ્ટ્રના છપ્પન યુવાનો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના દિને બપોરે નિકળનારા શોભાયાત્રાને ઐતિહાસિક અને યાદગાર બનાવવા મહેનત કરી રહયા છે તો બીજી તરફ દેશના યાદવ સમાજના રાષ્ટ્રીય નેતાગણ આ શોભાયાત્રામાં સામેલ થશે.

દ્વારકાના આહીર સમાજ ભવનમાં કાન્હા વિચાર મંચ દ્વારા તા. ૨૬ મીના મળેલી બેઠકમાં દ્વારકા, ના જુદા-જુદા સમાજના અગ્રણીઓ મનસુખભાઇ બારાઇ, ઇશ્વરભાઇ ઝાપટીયા, રવિ બારાઇ, વિનુભાઇ સામાણી, વસંતભાઇ નકુમ, રવિભાઇ નાંગેશ, જીવણભાઇ ચુડાસમા, છોટુભાઇ જગતીયા, હરદાસભાઇ પવા, રણમલભાઇ વારોતરીયા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

કાન્હા વિચાર મંચના બેઠકમાં જન્માષ્ટમી શોભાયાત્રા અંગેની વિગતો આપતા પાલભાઇ આંબલીયા ત્થા નરેશભાઇ ડુવા અને પરબતભાઇ લગારીયા તથા કારૂભાઇ વારોતરીયા એ જણાવ્યું હતું કે વિશ્વની પ્રથમ લોકશાહી કૃષ્ણભુમિ દ્વારકા નગરમાં થી વસી હતી વર્તમાનમાં સમાજની વ્યવસ્થામાં દરેક સમાજને ફરીથી જોડી દઇને સમાજવાદની ભાષાને સાચા અર્થમાં સમજાવવાનો અને ફરીથી કૃષ્ણ નીતિેને અસ્તિત્વમાં લાવવાનો પ્રયાસના ભાગરૂપે શોભાયાત્રાના માધ્યમથી નવો ચીલો પાડીને રાહ ચીંધવાનો કાન્હા વિચાર મંચ એ બીડું ઝડપેલું છે જે સોૈ સમાજના સહકાર થી ઉજાગર કરી શકાશે.

કાન્હા વિચાર મંચના કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે દ્વારકા આહીર સમાજ ભવનથી બપોરે ચાર વાગ્યે જામનગરના ઇસ્કોન મંદિરના કલાત્મક રથ ને ભગાવન શ્રી કૃષ્ણની ખાસ પ્રકારની મુર્તિને અલંકારો વસ્ત્રો વિગેરેથી સુશોભિત કરી શોભાયાત્રા નિકળશે. ત્રણ કિ.મી. સુધીની આ શોભાયાત્રાને પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, ભારત સરકારના ગૃહ મંત્રી હંસરાજ આહીર, ભારત સરકારના નીતિ આયોગના મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી ચંદન યાદવ, રાજય સભા સાંસદ ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ પ્રમુખ કેશવ ચંદ યાદવ તથા ગુજરાત રાજય સમાજ કલ્યાણ મંત્રી વાસણભાઇ યાદવ તથા હાલાર ના સાંસદ પુનમબેન માડમ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. એકાવન કુમારીકાઓ શોભાયાત્રાનું સ્વાગત કરશે.

આહીર સમાજ ભવનથી પ્રસ્થાન થનાર આ શોભાયાત્રા સનાતન સેવા મંડળ, ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ, ભદ્રકાળી ચોક, હોમગાર્ડ ચોક, ત્રણબતી ચોક, જોધાભા માણેક ચોક થી દ્વારકાધીશ મંદિર પરિસરમાં પુર્ણ થશે.

શોભાયાત્રા પુર્ણ થતાની સાથે આહીર સમાજ ભવનના પટાંગણમાં પ્રાચીન કાળથી ભગવાન શ્રી કૃષ્ણ સમયથી આહીર સમાજને ગોૈરવ અપાવતી રાસ ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવા ઉપસ્થિત સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશમાં અર્વાચીન રાસ ની રમઝટ થશે અને રાત્રીના સાડા આઠ વાગ્યે મહા-પ્રસાદ તથા બાર વાગ્યે કૃષ્ણજન્મોત્સવના જીવન દર્શન થશે.

છપ્પન કોટિ યાદવો સમાનજ કાન્હા વિચાર મંચના છપ્પન યુવાનોની કમિટી સમગ્ર શોભાયાત્રા સહિતના કાર્યક્રમનું સંચાલન કરશે. શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભકત સમુદાય જોડાશે.(૧.૧૩)

(11:53 am IST)