Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કાલથી યાત્રાધામ પરબમાં બેદિવસીય અષાઢી બીજ મહોત્‍સવ

૧૦ લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે તેની પ્રસાદીની વ્‍યવસ્‍થા માટે ૭૧ ગામના ૧૦ હજાર જેટલા સ્‍વયંસેવકે ખડેપગેઃ ૩પ૦ વર્ષની પરંપરા મુજબ ભજન-ભોજન-ભકિતનો ત્રિવેણી સંગમ યોજાશે : સૌરાષ્‍ટ્રભરમાંથી સંતો મહંતો, મંત્રીઓ, સાંસદો ઉપસ્‍થિત રહેશે : ‘‘અકિલા''ના આંગણે પરબધામનાં સ્‍વયંસેવકો દ્વારા માહિતી અપાઇ : પૂ. કરશનદાસબાપુના સાનિધ્‍યમાં ગુંજશે ‘‘સત દેવીદાસ અમર દેવીદાસ...ના નાદ''

રાજકોટ તા. ર૯ :.. ભાવિકોના આસ્‍થાનું કેન્‍દ્ર પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્‍સવ પૂ. કરશનદાસબાપુના સાનિધ્‍યમાં ભવ્‍યતાથી ઉજવાશે. જેનું ‘અકિલા' કાર્યાલય ખાતે ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવવા માટે પરબધામનો સેવકગણ ઉપસ્‍થિત રહ્યો હતો. અને અષાઢી બીજ મહોત્‍સવની માહિતી આપી હતી.

સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ યાત્રાધામ પરબ ખાતે અષાઢી બીજ નીમિતે બે દિવસના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેનો લ્‍હાવો લેવા લાખોની સંખ્‍યામાં ભાવીક ભકતો ઉમટી પડે છે. અહીં ૪૮ કલાક અખંડ ચાલતી સંતવાણીમાં ખ્‍યાતનામ કલાકારો પોતાની કલાપીરશે છે. પૂ. સંત શ્રી કરશનદાસ બાપુ ગુરૂશ્રી સેવાદાસ બાપુના સાનિધ્‍યમાં યોજાતા ધાર્મિક ઉત્‍સવનો આવતીકાલથી પ્રારંભ થશે.

ભેંસાણ તાલુકામાં આવેલ સુપ્રસિધ્‍ધ  યાત્રાધામ પરબધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આવતીકાલથી બે દિવસનો અષાઢી બીજના મેળાનો પ્રારંભ થશે. ૩પ૦ વર્ષ પહેલા અહીં રકતપીતાના દર્દીઓની સારવાર કરવામાં આવતી અને તેને ભોજન કરાવવામાં આવતું.

આ પવિત્ર ધામમાં પૂ. દેવીદાસબાપુ અને અમરમાં એ જીવતા સમાધી લીધેલ ત્‍યારથી અહીં ૧૮ વરણ એક સાથે બેસી ટૂકડા રામ (પ્રસાદી) લે છે. જે અન્નક્ષેત્ર કદી બંધ નથી રહ્યું આ અંગે માહિતી આપતા જગ્‍યાના મહંત પૂ. પૂ. સંતશ્રી કરશનદાસ  બાપુ એ જણાવેલ કે અહીં ૧૮ વરણ એક સરખા છે.

અહીં કોઇ ઉચ-નીચનો ભેદ ભાવ રાખવામાં આવતો નથી. ૩પ૦ વર્ષ પહેલા પૂ. દેવીદાસબાપુ અમરમાએ જીવતી સમાધી લીધેલ તે દિવસની યાદમાં અષાઢી બીજનો ઉત્‍સવ મનાવવામાં આવે છે. બે દિવસ સુધી ભજન-ભોજન - ભકતીનું ઘોડાપુર ઉમટી પડે છે. બે દિવસ એટલે કે એકમ અને બીજ અખંડ સંતવાણી ચાલે છે. તેમાં સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ કલાકારો પોતાની કલા પીરશે છે. જે બે વર્ષ કોરોનાની મહામારીના કારણે આ ઉત્‍સવ બંધ રાખેલ હોય આ વર્ષ ફરી આયોજન કરાયુ હોય અંદાજીત ૧૦ લાખ જેટલા શ્રધ્‍ધાળુઓ મેળો માણવા અને પરબની પીરના આર્શીવાદ લેવા ઉમટી પડશે. આવેલ તમામ લોકોને પ્રસાદ મળી રહે અને કોઇ ભુખ્‍યા ન જાય તે માટે પાંચ મહાકાય રસોડા બનાવેલ છે. જેમાં ૩૦૦૦ કાઉન્‍ટરો રાખવામાં આવેલ છે. અહીના ૭૧ ગામોમાંથી ૧૦ હજાર જેટલા સ્‍વયંસેવકો સેવા આપવા માટે ખડે પગે રહેશે.

આ મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્રભરના સંતો મહંતો શેરનાથ બાપુ, ઇન્‍દ્રભારથી બાપુ, ચલાલાના વલકુબાપુ સતાધારના વિજયબાપુ, ચાંપરડાના મુકતાનંદબાપુ ગધેસરના ાલબાપુ સહિત પધારશે. સાથે -સાથે મંત્રીઓ સાંસદો, આગેવાનો અગ્રણીઓ દર્શનનો લાભ લેવાનું ચુકશે નહિ.

મેળામાં જંગી મેદની ઉમટી પડતી હોય સ્‍વયંશીસ્‍તથી હજુ સુધી કોઇપણ પ્રકારનો બનાવ બનવા પામ્‍યો નથી. કાલે સવારથી વિષ્‍ણુયાગ યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે મહાઆરતી તેમજ બે દિવસ સુધી સતત સંતવાણી ચાલુ રહેશે. જેમાં સુપ્રસિધ્‍ધ કલકારો મનસુખભાઇ વસોયા,   હરસુખગીરીબાપુ, ભગવતીબેન ગોસ્‍વામી, મયુર દવે, લોક ગાયીકા અલ્‍પાબેન પટેલ, હાસ્‍યના બેતાજ બાદશા ધીરૂભાઇ સરવૈયા, હિતેશ અંટાળા, લીંબા ભગત સહીતના કલાકારો પોતાની કલા રજુ કરશે.

‘‘અકિલા'' કાર્યાલયે પરબધામના સેવકગણના લાલજીભાઇ વસાણી, મનસુખભાઇ ધંધુકીયા, વિપુલભાઇ સંચાણીયા, મહેશભાઇ રાબડીયા, યોગેશભાઇ ભેસાણીયા, હસુભાઇ સોજીત્રા, પ્રાગજીભાઇ સાવલીયા, કિરીટભાઇ પરમાર તથા જેતપુરના ‘‘અકિલા''ના પત્રકાર કેતનભાઇ ઓઝા ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:09 pm IST)