Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

નિવૃત જેલર અરૂણકુમાર વ્યાસને સગા ભાઈએ હથોડીથી ફટકાર્યા

રાજકોટના નિવૃત અધિકારીને વઢવાણમાં આવેલા વડીલોપાર્જિત મકાનો મામલે પિતા અને ભાઈ પ્રફુલચંદ્રને સમજાવવા આવ્યા ત્યારે ભાઈએ ઉશ્કેરાઈને માથુ રંગી નાખ્યું: વિડીયો વાયરલ

વઢવાણ, તા. ૨૯ :. રાજકોટના નિવૃત જેલર અરૂણકુમાર વ્યાસને સુરેન્દ્રનગરના વઢવાણમાં સગા ભાઈએ હથોડીથી ફટકારતા ખળભળાટ મચી ગયો છે. તેઓને માથામાં ટાંકા આવ્યા છે અને હાલમાં હોસ્પીટલમાં લોહીલુહાણ હાલતમાં સારવારમાં દાખલ કરાયા છે. વઢવાણમાં આવેલ વડીલોપાર્જિત મકાનો મામલે પિતા અને ભાઈ પ્રફુલચંદ્રને સમજાવવા ગયા ત્યારે નિવૃત જેલરના ભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને હથોડીથી હુમલો કર્યો હતો. તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા તે વિડીયો પણ સોશ્યલ મિડીયામા વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રામેશ્વર પાર્ક શેરી નં. ૬, પોપટપરા ખાતે રહેતા નિવૃત જેલર અરૂણકુમાર રમણીકલાલ વ્યાસે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા જણાવ્યુ છે કે, વઢવાણની આર્ટસ કોલેજની હોસ્ટેલ પાછળ આવેલ મકાન અંગે મારા ભાઈ પ્રફુલચંદ્ર અને પિતા રમણીકલાલ વ્યાસને સમજાવવા ગયો હતો ત્યારે મારા ભાઈ પ્રફુલચંદ્રએ તાળુ ખોલવાની ના પાડી હતી.

આ દરમિયાન દરવાજાનુ તાળુ તોડવા માટે હથોડીનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તાળુ તોડવાની ના પાડતા મારો ભાઈ પ્રફુલચંદ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને મારી ઉપર હથોડીના માથામાં અને પીઠમાં ઘા ઝીંકયા હતા અને હવે પછી અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)