Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પગાર પંચ-ગેરકાયદે ભરતી સહિતના મુદ્દે અમરેલી પાલિકાના કર્મચારીઓની સામુહિક હડતાલ

અમરેલી, તા. ૨૯ :. નગરપાલિકામાં કર્મચારીઓને પગાર પંચ, ગેરકાયદે ભરતી સહિતના વિવિધ મુદ્દે આજે તમામ કાયમી કર્મચારીઓ દ્વારા સામુહિક રીતે રજા મુકીને હડતાલ પાડવામાં આવી હતી. જેના કારણે કચેરીનું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું.

કર્મચારીઓ દ્વારા પાલિકા સામે છાવણી નાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ અમરેલી નગરપાલિકામાં રાજ્ય સરકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે ફીકસ પગાર અને કરાર આધારિત કર્મચારીઓની ભરતી થઈ રહી છે. બીજી તરફ અમરેલી પાલિકામાં મહેકમ ખર્ચના આધાર પર કર્મચારીઓનો પગારની કરવામાં આવતો હોવાના કારણે હાલમાં કર્મચારીઓને સાતમુ તો ઠીક પણ છઠ્ઠા પગારપંચનો લાભ પણ મળી શકયો નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન થતા કર્મચારીઓ દ્વારા અપાયેલા એલાન મુજબ ગુરૂવારે કાળીપટ્ટી બાંધીને વિરોધ કરાયા બાદ આજે તમામ કર્મચારીઓ દ્વારા સામુહિક રીતે હડતાલ પાડવામાં આવી હતી. જેમાં ૨૦૦ જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ૬૭ જેટલા કાયમી સફાઈ કામદારો પણ હડતાલમાં જોડાયા હતા. પોતાની કામગીરી બંધ રાખી હતી. આજે શુક્રવારે પાલિકા કચેરી ચાલુ હોવા છતાં પણ હડતાલના કારણે કચેરીના તમામ વિભાગોની કામગીરી બંધ રહી હતી. જેના કારણે વેરા સ્વીકારવા, લોકોની ફરીયાદો નોંધાવી અને તેનુ નિરાકરણ કરવું, જન્મ અને મરણ નોંધણી સહિતની કામગીરીને અસર પહોંચી હતી. પાલિકાના કર્મચારીઓ દ્વારા કચેરીની સામે જ છાવણી નાખીને ધરણા કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. શનિવારના દિવસે પણ ધરણા યોજ્યા બાદ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવશે. જો સમસ્યાનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં અચોક્કસ મુદતની હડતાલનું પણ એલાન આપવામાં આવ્યુ છે.

(1:19 pm IST)