Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વન્યજીવ સૃષ્ટિમાં જવલ્લે જ બનતી ઘટનાઃ પ સિંહણ ૧૪ સિંહબાળ સાથે રહે છે

એકતાનાં કારણે ખૂંખાર વનરાજ ફરકતો પણ નથી

જુનાગઢ, તા.૨૯: આજના જમાનામાં માનવીની સંયુકત કુટુંબની પ્રથા ભાંગતી જતી જોવા મળે. વસુધેવ કુટુંબ ની વાતો કેવળ કાગળ ઉપર જ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ગીર જંગલમા પાંચ સિંહણો, સહેલીની જેમ તેઓના ૧૪ બચ્ચાઓ સાથે રહેતી હોવાની ઘટના બહાર આવી છે. આ બચ્ચાઓ ૧ થી ૪ માસની વયના છે. વનવિભાગના સુત્રોનું કહેવું છે કે,વન્યજીવ સૃષ્ટિમાં આ એક જવલ્લે જ બનતી ઘટના છે.

જો કે, સિંહ પરિવાર પ્રેમી જીવ છે.સિંહોના ટોળા ન હોય તેવી કહેવત ભલે રહી. પરંતુ સિંહ પરિવાર હંમેશા ટોળામાં જ હોય છે. કદાચ અંગ્રેજી કહેવત, યુનાઇટેડ વી સ્ટેન્ડની ખબર તેને હોય. આ ૫ સિંહણો અને તેના ૧૪ બચ્ચા મળી,૧૯ નું ગ્રુપ એકી સાથે ચાલ્યું જતું હોય ત્યારે,જાણે કે પરેડ યોજાઈ હોય તેવું લાગે છે.

ગીર જંગલના જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિસ્તારના, કુટિયા, બદક, ખાંભલા, રામપરા રાઉન્ડમાં આ વિશાલ ગ્રુપ ફરતું રહે છે.આ ૫ સિંહણો વારાફરતી બે કે ત્રણ સાથે મળી શિકારમાં નીકળે ત્યારે બાકીની સિંહણો નાનકડા સિંહબાળો નું ધ્યાન રાખે છે. શિકાર કર્યા પછી, શિકાર કરનાર સિંહણો, બાકીની તેની બહેનપણીઓ ને કોલ આપી બોલાવે છે.તેથી તેઓ બચ્ચાને લઈને ભોજન માટે જાય છે. અને સૌ સમૂહમાં વનભોજન નો લ્હાવો લ્યે છે. આ સિંહણો ની એકતા એટલી મજબૂત છે કે,ખુંખાર વનરાજ તેઓની પાસે ફરકતો નથી.આવા ગીર જંગલના અભૂતપૂર્વ કહી શકાય તેવા ૧૯ સિંહ પરિવાર ની હિલચાલ ઉપર વનખાતું સતત સાવચેતી પૂર્વક દેખરેખ રાખી રહ્યું છે.

(1:06 pm IST)