Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

જામનગર વીજ ટીસી કૌભાંડઃ એક ડઝન ઇજનેર-લાઇન સ્‍ટાફ સામે પગલા પણ બદલીમાં સર્કલ કેમ ચેન્‍જ ન કરાયું?!

જો સારા હતા તેમને શા માટે ડીર્સ્‍ટબ કરાયાઃ વીજ ઇજનેરોમાં ફાટી નીકળેલો રોષઃ ઘેરા પડઘા... : એક તો વર્ષોથી જામનગરનો વિજ સ્‍ટાફ બદલાયો નથી તેમાં હવે બદલીમાં જામનગર સર્કલ રખાતા દેકારો...

રાજકોટ તા. ર૯ :  જામનગરમાં ૩પ જેટલા વીજ ટ્રાન્‍સફોર્મર ચોરીનું કૌભાંડ પકડાયું, વીજીલન્‍સ તપાસ થઇ, પોલીસ ફરીયાદ થઇ અંતે પીજીવીસીએલના એનડી શ્રી  ભાવીન પંડયાએ કડક પગલા ભરી ૪ ડે. ઇજનેરો   અને ૮ લાઇન સ્‍ટાફની ધડાધડ બદલી કરતા વીજ બેડામાં સોંપો પડી ગયો છે.

પરંતુ આ પ્રકરણમાં જે ૪ નાયબ ઇજનેરોની બદલી થઇ તેમને જામનગર સર્કલમાં જ રખાતા ભારે દેકારો મચી ગયો છે, એક તો વર્ષોથી જામનગર વીજ તંત્રનો ઇજનેરો-લાઇનમેન કે એડમીનીસ્‍ટ્રેટીવ સ્‍ટાફ બદલાયો નથી, અધુરામાં પુરૂ ગઇ રાત્રે જે એક ડઝન ઇજનેરો-લાઇન સ્‍ટાફની સંડોવણી ખૂલી તેમને પણ જામનગર સર્કલમાં જ  મૂકાતા ઇજનેર બેડામાં ભારે કચવાટની લાગણી ઉદભવી છે.

પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવ્‍યા પછી ચોરીમાં સંડોવાયેલા શખ્‍સોની ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતા આ કૌભાંડમાં પીજીવીસીએલના ઇજનેરો અને લાઇન સ્‍ટાફની સંડોવણી હોવાનું ખુલ્‍યું હતું. આ મુદે વીજીલન્‍સની તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં એચ. પી. દૂધાગરાને કલ્‍યાણપુર જયારે એચ. એમ. માણેક, પી. વી. ભાલાણી અને એચ. એસ. વૈરૂને ખંભાળીયા મુકવામાં આવ્‍યા છે, એ જ રીતે લાઇન સ્‍ટાફ તરીકે ફરજ બજાવતા ૮ કર્મચારીની પણ શિક્ષાત્‍મક બદલી કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિકારી સુત્રોએ જણાવ્‍યું  હતું કે, ફરજમાં બેદરકારી દાખવનારા તમામ કર્મચારીઓની બદલી કરી છે હવે ચાર્જશીટ આપીને તેઓની સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે.

વીજ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે ૪ નાયબ ઇજનેરોની બદલી જયાં કરાઇ ત્‍યાંના ઇજનેરો તો શ્રેષ્‍ઠ છે, તેમને કેમ ડીર્સ્‍ટબ કરાયા, આવી ભયંકર બેદરકારી ઘટનામાં તો સર્કલ બહાર આ ચારેયની બદલી થવી જોઇએ... હવે જોઇએ કેવા ખાતાકીય પગલા લેવાય છે.

(11:29 am IST)