Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ડમી શાળાઓની તપાસ કરવા આદેશ છૂટતા ફફડાટ

બોર્ડ સચીવે રાજયભરના જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: ગુજરાતમા આવેલી ડમી શાળાઓની તપાસ કરવા આદેશ છુટતા ફફડાટ વ્‍યાપી ગયો છે.બોર્ડ સચિવે રાજ્‍યભરની ડમી શાળાઓની તપાસ કરી રિપોર્ટ કરવા રાજ્‍યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કર્યો છે.આખરે સીનીયર બોર્ડ મેમ્‍બર ડો.પ્રિયવદન કોરાટની ધારદાર રજૂઆત રંગ લાવી છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સચિવ  એન.જી.વ્‍યાસે રાજ્‍યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓને લેખિત પત્ર પાઠવી જણાવેલ છે કે, બોર્ડના સભ્‍ય(૧) ધિરેન વ્‍યાસ (ર) ડૉ. પ્રિયવદન કોરાટ તેઓની તા.૦૫/૦૫/૨૦૨૩ના  મુખ્‍યમંત્રીને કરેલ ઇમેલ પત્રમાં જણાવે છે કે, ધોરણ ૧૦ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં ઉચ્‍ચ અભ્‍યાસ માટેના કોચિંગ ક્‍લાસ ધોરણ ૧૧ થી શરૂ થાય છે. IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્‍ચ અભ્‍યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ પાસ કર્યા બાદ સીધા કોચિંગ કલાસમાં જ પ્રવેશ મેળવે છે. અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ઘોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા તોતિંગ ફી ભરે છે. આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે.આપના જિલ્લામાં આવી કોઇ ડમી શાળાઓ ચાલતી હોય તો તેની (ખાસ કરીને ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ વાળી શાળાઓ) વિગતો આધારસહ મોકલી આપવા જણાવવામાં આવે છે તેમ પત્રમા જણાવાયુ છે.

(2:00 pm IST)