Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સુરેન્દ્રનગર પંથકથી પરિણીતાએ અઘટિત માંગણી નહિ સ્વિકારતા રંજનની ક્રૂર હત્યા

રાજકોટ તા. ૨૯ : કોઠ ગામની સીમમાંથી એક મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં મહિલાની ગળું દબાવીને હત્યા કરાયાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે હત્યારાને શોધવાની દિશામાં તપાસ હાથ ધરી હતી.

પોલીસને તેના પર્સમાંથી એક મળી આવેલા એક સીમ કાર્ડના આધારે પોલીસને મહિલાની ઓળખ કરવામાં સફળતા મળી હતી. પોલીસને તપાસમાં મહિલાનું નામ રંજનબેન રાણા હોવાનું અને તે આણંદ જિલ્લાના મહિડા ગામની દીકરી અને સુરેન્દ્રનગર જિલ્લાના વેરાવદર ગામે પરણાવેલી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક મહિલાને પતિથી અણબનાવ થતાં છેલ્લા દોઢેક વર્ષથી બે પુત્રો પ્રિતપાલ અને યશપાલ સાથે પતિથી અલગ સોયલા ગામે રહેતા હતા. જયાંથી તેઓ ગત ૧૨જ્રાક મેએ નડિયાદ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને ગુમ થઈ ગયા હતા. મહિલાની ઓળખ થયા બાદ તેનો મોબાઈલ ફોન ગુમ થયાનું જાણવા મળ્યું હતું.

મોબાઈલની ડીટેલ ચેક કરાતા પોલીસને જાણવા મળ્યું કે, મૃતક મહિલા અવાર-નવાર બગોદરાની મુલાકાત લેતા હતા. દરમિયાનમાં પોલીસને એક કડી મળતાં પોલીસે સાઉથ બોપલ, સોબો સેન્ટર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી મૃતકના મોબાઈલ ફોન સાથે અરવિંદ ઉર્ફે અરકુન જખવાડિયા (રહે, પગી ફળીયું, બગોદરા)ને ઝડપી લીધો હતો.

પૂછપરછમાં અરવિંદે પોલીસને જણાવ્યું કે, રંજનબેન નડિયાદ જવા રોહિકા ચોકડીના બદલે ધંધુકા ત્રણ રસ્તે ઉતરી ગયા હતા. દરમિયાનમાં અરવિંદનો તેમની સાથે ભેંટો થઈ ગયો હતો અને રંજનબેને તેને રોહિકા ચોકડી સુધી મૂકી જવા કહ્યું હતું. આ સમયે રસ્તામાં તેની રંજનબેન પર દાનત બગડી હતી અને તે ગણપતપુરા મંદિરે દર્શન કરવા લઈ જવાના બહાને રંજનબેનને ટપરપુરા લઈ ગયો હતો. જયાં રસ્તામાં એકાંત મળતાં જ તેણે અઘટિત માગણી કરતા રંજનબેને આનાકાની કરી હતી. જેથી ઉશ્કેરાયેલા અરવિંદે તેમનું બ્લાઉઝ ફાડી નાખ્યું હતું. જોકે, બાદમાં મહિલા દુષ્કર્મની ફરિયાદ કરશે તેવી બીકે તેણે ગળું દબાવી તેમની હત્યા કરી નાખી હતી અને મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો.

(1:27 pm IST)