Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

વેરાવળમાં ફસાયેલા આંધ્રપ્રદેશના ખલાસીઓ 50થી વધુ ખાનગી બસ મારફત વતન રવાના

વેરાવળ બંદરમા ૬૧૦ ફિશીંગ બોટમાં ફિશીંગ કરવા આવેલા આંધ્રપ્રદેશના ૪૦૦૦ થી વધુ ખલાસીઓ લોકડાઉનના કારણે વેરાવળ બંદરે ફસાયેલા હતા

વેરાવળમાં આંધ્રાપ્રદેશના ફસાયેલા ખલાસીઓને તેમના વતન મોકલવા માટે ખાનગી ૫૦ થી વધુ બસ મારફતે રવાના કરાયા છે. આંધ્રપ્રદેશના ખલાસીઓને તેમના વતન જવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા સતત રાજ્ય સરકારના સંપર્કમાં રહી રાજ્ય સરકાર પાસેથી મંજુરી મેળવી હતી. રાજ્ય સરકાર અને આંધ્રપ્રદેશની સરકારની મંજુરી મળી ગયા બાદ ખલાસીઓને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે

   વેરાવળ બંદરમા ૬૧૦ ફિશીંગ બોટમાં ફિશીંગ કરવા માટે આવેલા આંધ્રપ્રદેશના ૪૦૦૦ થી વધુ ખલાસીઓ લોકડાઉનના કારણે વેરાવળ બંદરે ફસાયેલા હતા. તેઓને તેમના વતન આંધ્રપ્રદેશ મોકલી આપવા માટે સરકાર દ્રારા મંજુરી મળી જતા તેમને વતન રવાના કરાયા છે. આ તમામ ખલાસીઓને બોટમાં કોરોન્ટાઈનમા રાખવામાં આવ્યા હતા. તેઓની વહીવટીતંત્ર અને સામાજીક સંસ્થાના સહયોગથી અનાજ કિટ અને ભોજન આપવામાં આવ્યું હતું.

  આ તમામ ખલાસીઓની તા.૧૦ અને ૧૧ એપ્રિલ, તા.૨૨ એપ્રિલ અને તા.૨૮ એપ્રિલના રોજ આરોગ્ય વિભાગ દ્રારા તાલુકા હેલ્થ ઓફિસના ૨ એમબીબીએસ ડોકટર ૧૨ આરબીએસકે ડોકટર, બે ફાર્માસીસ્ટ, ૭ પેરા મેડીકલ સ્ટાફ અને દ્રારા આરોગ્યની તપાસ કરી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા.

 કલેકટર અજય પ્રકાશે લીલીઝંડી આપી આંધ્રપ્રદેશના ખલાસીઓને બસ મારફતે તેમના વતન રવાના કરાયા છે. ખાનગી ૫૦ થી વધુ સ્લિપર બસને સેનેટાઈઝ કરી સામાજીક અંતર રાખી ખલાસીઓને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે. એક બસમાં બે ડ્રાઈવર અને બે ખલાસીઓને મોનીટરની જવાબદારી સોંપવામાં આવી છે. બસમાં મુસાફરી દરમ્યાન ખલાસીઓ માટે પાણી, નાસ્તો અને જમવાની સુવિધા આપવામાં આવે છે. બે દિવસની મુસાફરી બાદ ખલાસીઓ તેમના વતન પહોંચશે. વહીવટીતંત્ર, માછીમાર સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓનો આભાર માની ખલાસીઓએ વંદન કર્યા હતા.

 આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, અધિક કલેકટર જે.એસ.પ્રજાપતિ, પ્રાંત અધિકારી વિનોદ પ્રજાપતિ, નાયબ મત્સ્યોધોગ નિયામક પટણી, મદદનીશ મત્સ્યોધોગ નિયામક તુષાર પુરોહિત, મામલતદાર ચાંડેગરા, બોટ એસો.પ્રમુખ તુલશીભાઈ ગોહેલ, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, લખમભાઇ ભેંસલા, વેલજીભાઇ મસાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:19 pm IST)