Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

મહામારી સામે લડવા આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની અપીલ

કોરોના સામેની લડાઇમાં સમસ્ત પ્રણામી ધર્મ દ્વારા પી.એમ. કેર ફંડમાં ર.૦પ કરોડનું અનુદાન

જામનગર તા. ૨૯ : હાલ કોરોના સામેની લડાઈમાં ભારતમાં લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર સેવાયજ્ઞો શરૂ થયા છે ત્યારે પી.એમ. અને સી.એમ. કેર ફંડમાં પણ વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તેમજ અગ્રણી નાગરીકો દ્વારા યથાશકિત અનુસાર પોતાનું યોગદાન આપવામાં આવી રહ્યું છે ત્યારે છોટીકાશી ગણાતા જામનગરથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા શ્રી કૃષ્ણપ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાય દ્વારા કોરોના વાયરસની મહામારી વચ્ચે સેવાયજ્ઞો ઉપરાંત આર્થીક સહયોગ પણ કરવામાં આવ્યો છે.

સમગ્ર દુનિયામાં કરોડો સુંદરસાથજી અનુયાયીઓ ધરાવતા શ્રીકૃષ્ણપ્રણામી ધર્મ દ્વારા પી.એમ. કેર ફંડ માં ર કરોડ પ૦ હજાર પરપ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે જેમાં દિલ્હી થી સ્વામી સદાનંદ પ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્વામી શ્રી ૧૦૮ સદાનંદજી મહારાજ દ્વારા ૧ કરોડ રપ લાખ રપહજાર પરપ રૂપિયા, જામનગર સ્થિત શ્રી પ નવતનપુરીધામ ખીજડા મંદિરના કૃષ્ણપ્રણામી ધર્માચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ દ્વારા પ૦ લાખ અને શ્રી પ મહામંગલપુરી ધામ સુરતના આચાર્યશ્રી ૧૦૮ સુર્યનારાયણદાસજી મહારાજ દ્વારા રપ લાખ રપ હજાર મળી કુલ રૂ.ર કરોડ પ૦ હજાર પરપ નું અનુદાન સમગ્ર કૃષ્ણપ્રણામી ધર્મના અનુયાયીઓના સહયોગથી પી.એમ. કેર ફંડમાં આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રી કૃષ્ણપ્રણામી ધર્મચાર્ય ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજે પત્ર લખી કોરોના સામેની લડાઈમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વડાપ્રધાન મોદીની દિર્ઘદષ્ટ્રી અને નિર્ણય શકિતના પરીણામે કોરોનાનું સંક્રમણ ખુબજ ઓછું છે આજે આખા દેશ સાથે અન્ય દેશો પણ આપણા માર્ગદર્શનની અપેક્ષા રાખી રહ્યું છે તે દરેક ભારતીયો માટે ગૌરવની બાબતે છે.

પી.એમ. કેર ફંડમાં સહયોગ માટે કરવામાં આવેલ આહવાનના પગલે શ્રી કૃષ્ણપ્રણામી સંપ્રદાયના સંતો દ્વારા સુંદરસાથ અનુયાયીઓને અપીલ કરવામાં આવી હતી. જેથી દેશ વિદેશના અનુયાયીઓ દ્વારા સંપ્રદાયના વિવિધ સંસ્થાઓમાં પ્રાપ્ત થયેલ ધનરાશી – અનુદાનને પી.એમ. કેર ફંડમાં જમા કરાવી આપ્યુ છે જેની વિગતો પત્રમાં આપવામાં આવી છે. જે મુજબ  દિલ્હી થી સ્વામી સદાનંદ પ્રણામી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ કરોડ રપ લાખ રપહજાર પરપ રૂપિયાનું અનુદાન સાઉથ ઈન્ડીયન બેંકમાંથી તા.૧૬–૪–ર૦ર૦ના મોકલવામાં આવ્યું છે.  જામનગર સ્થિત શ્રી પ નવતનપુરીધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા પ૦ લાખ રૂપિયાનું અનુદાન આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી તા.રર–૪–ર૦ર૦ના રોજ મોકલવામાં આવ્યું છે.  સુરત સ્થિત પ્રણામી મોટામંદિર ટ્રસ્ટ દ્વારા આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાંથી તા.ર૭–૪–ર૦ર૦ના રોજ રૂ.૧૩ લાખ રપ હજાર તેમજ બાઈજુરાજ કેર ઓફ શ્રી રાધા મહારાણી જનકલ્યાણ ટ્રસ્ટ સુરત દ્વારા યુનિયન બેંકમાંથી  ૧ર લાખનું અનુદાન તા.ર૭–૪–ર૦ર૦ના રોજ મોકલવામાં આવ્યું છે. આમ કુલ રૂ.ર કરોડ પ૦ હજાર પરપ નું અનુદાન સમગ્ર કૃષ્ણપ્રણામી ધર્મના અનુયાયીઓના સહયોગથી પી.એમ. કેર ફંડમાં અર્પણ કરાયાનો વડાપ્રધાનને સંબોધાયેલ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

આ ઉપરાંત અનુયાયીઓ દ્વારા ડાયરેક પી.એમ. ફંડમાં આપવામાં આવેલ અનુદાનની વિગત આ પત્રમાં સામેલ નથી કરાઈ. સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં ગરીબોને ભોજન પણ કરાવાઈ રહ્યું છે. જયાર સુધી લોક ડાઉન રહેશે ત્યાર સુધી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. કામ કરવાવાળાઓની અપેક્ષા હોય છે ત્યારે દેશને તમારા જેવા કર્મયોગી વડાપ્રધાન પાસેથી ખુબજ અપેક્ષાઓ છે પરમાત્માને પ્રાર્થના કરતા આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજે પત્રમાં ઉમેર્યું હતું કે, દેશની અપેક્ષા તમારા દ્વારા સંપન્ન થાય અને ભારત ફરી જલ્દીથી જલ્દી પોતાની ગૌરવ સારી સ્થિતીમાં આવે તેવો ઉલ્લેખ કર્યો છે.

કૃષ્ણપ્રણામી ધર્મ દ્વારા વિવિધ સંસ્થાઓના માઘ્યમથી પી.એમ. કેર ફંડમાં કુલ રૂ.ર કરોડ પ૦ લાખ પરપ રૂપિયાના અનુદાન સાથે કૃષ્ણપ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક વિધ સેવા પ્રવૃતિઓ થઈ રહી છે ત્યારે કોરોના સામેની લડાઈમાં સરકાર અને સહકારથી દરેક લોકોએ સંયમ જાળવી આ મહામારી સામે લડવા આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજે અપીલ કરી છે.

(12:01 pm IST)