Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૬૨ લાખ ઘરોની 'હાઉસ ટુ હાઉસ' સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ

જિલ્લામાં ૨.૪૩ લાખ લોકોને આયુર્વેદિક ઉકાળા તથા ૧.૩૨ લાખ લોકોને હોમીયોપેથીક દવા અપાઇ

સુરેન્દ્રનગર,તા.૨૯:સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરાનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત તકેદારી રાખી કામગીરી કરવામાં આવી રહી છે, લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રથમ તબક્કામાં 'હાઉસ ટુ હાઉસ' સર્વેલન્સની ૯૯.૦૨ ટકા કામગીરી પૂર્ણ  કરવામાં આવી છે. જયારે બીજા તબક્કામાં અત્યાર સુધીમાં ૪૮.૪ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે.

જે અન્વયે જિલ્લામાં હાથ ધરવામાં આવેલ સર્વેલન્સના પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગની ૫૦૭ જેટલી ટીમ દ્વારા જિલ્લાના કુલ ૩.૩૨ લાખથી વધુ ઘરના ૧૬.૬૧ લાખથી વધુ લોકોનો સર્વે કરી ૯૯.૦૨ ટકા પ્રોગેસીવ સર્વેલન્સ કરવામાં આવ્યો છે, જયારે દ્વિતિય તબક્કામાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગની ૫૧૧ ટીમ દ્વારા જિલ્લાના ૧.૬૨ લાખથી વધુ ઘરના ૮.૧૪ લાખથી વધુ વસ્તીને આવરી લઈને ૪૮.૪ ટકા પ્રોગેસીવ 'હાઉસ ટુ હાઉસ'સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં અત્યાસ સુધીમાં કુલ ૨,૪૩,૯૪૫ જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળા તથા ૧,૩૨,૨૪૬ જેટલા લોકોને હોમીયોપેથીક દવાઓનું વિતરણ પણ કરવામાં આવેલ છે.

(9:59 am IST)