Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સત્‍ય, પ્રેમ, કરૂણાને જીવનમાં ઉતારજો : પૂ. મોરારીબાપુ

કચ્‍છના શ્રી રવેચી મંદિર ખાતે આયોજીત ‘‘માનસ મનોરથ'' શ્રી રામ કથાનો આજે સાતમો દિવસ

રાજકોટ, તા. ર૯ :  ‘‘સત્‍ય, પ્રેમ અને કરૂણાને જીવનમાં ઉતારજો'' તેમ પૂ. મોરારીબાપુએ કચ્‍છમાંથી રવેચી માતાજી  મંદિરે આયોજીત ‘‘માનસ મનોરથ'' શ્રી રામકથાના આજે સાતમા દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્‍યુ઼ કે શરીરના હૃદયને ભાવના અને અવયવ બંને રીતે ખુબ જ સાચવજો દિમાગથી નહી પરંતુ દિલથી સૌ સાથે વાત કરજો.

આજના યુવાનો શરીર સાચવે, દેશ અને દેવ સેવા કરે તે વધુ ઇચ્‍છનીય છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામકથામાં છઠ્ઠા દિવસે કહ્યુ઼ કે વિભીષણ રામના શરણમાં જવા નીકળ છે અને કહે છે કે રામ સત્‍ય છે, સમર્થ છે, ધારે તે કરી શકે અને લંકા નાશવંત છે, કાળને વશ છે અને વિભીષણ ફૂટયો નથી પણ એને રામનો અંકુર ફૂટયો છે. મને કોઈ દોષ ન દેશો. સત્‍યને શરણે જાઉં છું એમ કરીને નીકળે છે અને એક સાધુનું જવું, સાધુનું અપમાન તેની અવગણના કેવું પરિણામ લાવી શકે રાક્ષસોનું આયુષ્‍ય ઓછું થયું કોઈ સાધુની અવગણના થાય ત્‍યારે આપણી જાત આયુષ્‍યહીન થતી હોય એવું લાગે.

જીવનનો ઓડકાર લેવો હોય તો અભાવને ઐશ્વર્ય માનીને જીવવું. કોઈની આધીનતા ન કરવી; ગૌરી, ગ્રંથ અને ગુરુની આધીનતા કરવી. મનને દુષ્ટ ભાવ ન ભરવો, એ કોઢ છે. રસિક બનવું અરસિક ના બનવું. રસિક જીવનના ચાર રસઃ ભોગરસ-વિવેક સાથેનો ભોગ. જે ક્ષીણ થતો જાય છે. શાંતરસ - જે ઊર્જા આપે છે. ભાવરસ - અખંડ હોય પણ અનંત ન હોય, પ્રેમરસ - જે અખંડ હોય છે આત્‍મા સુધી પહોંચાડે છે. જીવનમાં મૂર્છા બેહોશી ન આવવી જોઈએ. મૂઢતા ન રહેવી જોઈએ. પ્રમાદીના બનીને પુરુષાર્થનો આશ્રય કરવો.

શ્રી પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે કોઇ બુદ્ધપુરુષ પાસે બેસવા, સેવા કરવાનું મળે, સાથે જવાનું મળે પછી કોઇ ભજન કે સાધના કરવાની જરૂર નથી પણ ખાર નહીં રાખવાનો, અહંકાર નહીં કરવાનો ચતુરાઇ  નહીં કરવાની એની પાસે ખોટું નહીં બોલવાનું માનસનો અસુર કેવા રૂડા મનોરથ કરે છે.

(4:59 pm IST)