Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ભાવનગરનાં સુવિખ્‍યાત દર્દીલા ગીતોના ગાયક ડો. કમલેશભાઇ અવસ્‍ત્‍થીના અવસાનથી સંગીત ક્ષેત્રે ઘેરો શોક

મુકેશ પછી મુકેશનો અવાજ પણ આથમી ગયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૯: ભાવનગરના સુવિખ્‍યાત દર્દીલા ગાયક ડો. કમલેશભાઇ અવસ્‍ત્‍થી ઉ.વ.૭૮ આશરેનું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે.

તેની અંતિમ યાત્રા આજે સવારે ‘‘સ્‍વર'', સી-૧પ૧ અશોકનગર સોસા. જોધપુર ટેકરા, સેટેલાઇટ, અમદાવાદ ખાતેથી નીકળી હતી. છેલ્લા કેટલાક વખતથી કોમામાં હતા.

બ્રેઇન સ્‍ટોક આવ્‍યા બાદ થોડો સમય અમદાવાદ દવાખાને સારવાર લીધેલી. અંતિમ શ્‍વાસ લીધા ત્‍યારે તેમના પત્‍નિ મીનાબેન પુત્ર ભૂષણ તથા તેજસ અને પરિવારજનો હતા.

કમલેશભાઇના ખાસ મિત્રોમાના શ્રી નવિનભાઇ રાજયગુરૂ કે જેની સાથે ૭૦ વર્ષની મિત્રતા હતી તેમને કમલેશભાઇની સાથેના સ્‍મરણો યાદ કરતા ગળગળા થઇ ગયા હતા. તેમની સૂર સાધના અને ખંતીલો સ્‍વભાવના લીધે આટલી ઉંચાઇએ પહોંચ્‍યા હતા.

કમલેશભાઇનો જન્‍મ ૧૯૪પ માં સાવરકુંડલામાં થયો હતો તેમણે એમ.એસ.સી. પીએચ.ડી. કરી ભાવનગર યુનિ. કેમેસ્‍ટ્રી ભવનમાં પૂર્વ વ્‍યાખ્‍યાતા તરીકે ફરજ બજાવી હતી. ભાવનગરમાં ભાર્ગવભાઇ પંડયા પાસે સંગીતની તાલીમ લીધી હતી, કુદરતી રીતે મુકેશ જેવો અવાજ ધરાવતા હતા.

સંગીતકાર મહેશ-નરેશ ના નિદર્શન તળે ટ્રીબ્‍યુટ ટુ મુકેશ આલ્‍બમ બહાર પાડયું હતું. ગુજરાતી-હિન્‍દી ફિલ્‍મોમાં ગાયક તરીકે તેમણે કંઠ આપ્‍યો હતો. સંગીતના એક કાર્યક્રમમાં ખુદ રાજકપુર હાજર હતા અને સાંભળીને તેને વળગી પડેલ અને બોલ્‍યા હતા કે ‘મુજે મેરા મુકેશ મીલ ગયા' એમના સંગીતના કાર્યક્રમો દેશભરમાં તથા વિદેશોમાં ખૂબ થયા હતા. તેમને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સાતેક એવોર્ડ પ્રાપ્‍ત થયા હતા. લીમડા અને મિલેનિયમ એવોર્ડ વિજેતા હતા.

સ્‍વભાવે વિનમ્ર, સાલસ અને આનંદી પ્રકૃતિના કમલેશભાઇની યાદ ચિરસ્‍મરણ રહેશે.

(2:06 pm IST)