Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સોમવારથી હલેન્‍ડામાં ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

રાજકોટવાળા શાસ્‍ત્રી નીતિનભાઇ જોષી કથા શ્રવણ કરાવશે ઓમકારેશ્‍વર મંદિર દ્વારા આયોજન : મુર્તિ પ્રતિષ્‍ઠા થશે : ૩ દિવસ લોકડાયરો

વકતા નીતિનભાઇ જોષી           નારણનાથજીબાપુ                નવાનાથજીબાપુ                    વશિષ્‍ઠનાથજીબાપુ                                    

રાજકોટ, તા.૨૯: શહેરથી ૩૫ કિ.મી. દૂર ભાવનગર રોડ પર સરધાર પાસે ખારચીયા - હલેન્‍ડા વચ્‍ચે ઓમકારેશ્‍વર મહાદેવ મંદિર ખાતે તા.૧ એપ્રિલ સોમવારથી તા.૭ એપ્રિલ રવિવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ અને મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. કથાના વ્‍યાસાસને મૂળ થાણાગાલોળના વતની રાજકોટવાળા કથાકાર શાસ્‍ત્રી શ્રી નીતિનભાઇ જોષી બિરાજી કથા શ્રવણ કરાવશે. (કથાકારનો મો.૯૮૨૪૮ ૯૦૫૧૫)

મહંત યોગી શ્રી વરિષ્‍ઠનાથજી ગુરૂ શ્રી નવાનાથજી બાપુના જણાવ્‍યા મુજબ ગુરૂશ્રી ગોરક્ષનાથજીની અસીમ કૃપાથી તેમજ સિધ્‍ધ બાવા યોગી શ્રી મંગલનાથજી બાપુ તેમજ સિધ્‍ધ બાવા યોગીશ્રી કેશવનાથજી બાપુ તેમજ સિધ્‍ધ બાવા યોગીશ્રી નારણનાથજી બાપુની અસીમ કૃપાથી તેમજ સંતમહંતોના આશીર્વાદ તથા સર્વે સમાજ તથા સર્વે સેવકગણના સહકારથી ભવ્‍યાતીભવ્‍ય સમાધીસ્‍થ યોગી શ્રી નવાનાથજી બાપુનો ભંડારો તેમજ શંખઢોળ વિધી તથા મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા અને શ્રીમદ્‌ ભાગવદ્‌ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. સોમવાર તા.૧-૪ના કથા પ્રારંભ તેમજ કથા વિરામ તા.૭ રવિવારે તેમજ શંખઢોળ વિધી તા.૬ અને સમાધીસ્‍થ યોગીશ્રી નવાનાથજી બાપુની મુર્તિ પ્રતિષ્‍ઠા તા.૭ના રોજ ભંડારો રાખેલ છે. તો આ શુભ પ્રસંગે દરેક ભાવિક ભકતો તથા સંતોને પધારવા જાહેર નિમંત્રણ છે.

ભાગવત કથાના પ્રથમ દિવસે તા.૧ સોમવારે સવારે ૯ વાગ્‍યે પોથીયાત્રા નીકળશે. તા.૪ સવારે ૧૧ વાગ્‍યે રામ જન્‍મ અને તે જ દિવસે બપોરે ૧૨ વાગ્‍યે કૃષ્‍ણ જન્‍મ પ્રસંગ ઉજવાશે. તા.૬ શનિવારે ઋક્ષ્મણી વિવાહ થશે. તા.૭ રવિવારે બપોરે ૧ વાગ્‍યે કથા વિરામ થશે. કથાનો સમય દરરોજ સવારે ૮.૩૦ થી બપોરે ૧ વાગ્‍યા સુધીનો રહેશે. સમગ્ર કથાનું અભિજય સ્‍ટુડીઓ આટકોટના માધ્‍યમથી યુ-ટયુબ પર જીવંત પ્રસારણ થશે.

મહોત્‍સવ દરમિયાન તા.૨ મંગળવારે રાત્રે ૫.૩૦ વાગ્‍યે માયાભાઇ આહીર, પ્રવીણભાઇ આહીર, બિરજુ બારોટ વગેરે કલાકારથી સંતવાણી (ડાયરો) રાખેલ છે. તા.૪ ગુરૂવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે ધીરૂભાઇ સરવૈયા, ખીમજીભાઇ ભરવાડ અને પ્રવીણભાઇ આહીરનો સંતવાણી અને હાસ્‍યનો કાર્યક્રમ યોજાશે. તા.૬ શનિવારે બપોરે ૨.૩૦ વાગ્‍યે વીજુબેન આહીર ખંઢેરી, અમરબેન આહીર આસોદર લાઠી અને સુરેશભાઇ આહીરનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં મહારાસ અને લોકગીત - સંગીત પ્રસ્‍તુત થશે. આયોજન માટે સંતોના માર્ગદર્શન હેઠળ સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.૬૩૫૨૪ ૧૫૨૭૭ ઉપર સંપર્ક સાધી શકાય છે

(11:15 am IST)