Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કોરોના વેક્સીનના બન્ને ડોઝ લેવા છતાં પાટડી પ્રાંત કલેક્ટરને કોરોના સંક્રમિત

માદરે વતન સાણંદમાં હોમ ક્વોરેન્ટાઇન થયા : તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોંલકી પણ કોરોના પોઝીટીવ

પાટડી પ્રાંત કલેક્ટરે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા છતાં તેઓ કોરોના પોઝીટીવ આવતા સાણંદ એમના માદરે વતનમાં હોમ કોરોન્ટાઇન થયા છે. આ સાથે જ્યારે પાટડીમાં એક જ પરિવારના પાંચ લોકો એકસાથે કોરોના પોઝીટીવ આવતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાટડીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 10થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નિપજવાના બનાવો બનવા પામ્યાં હતા. કોરોનાની બીજી લહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં પાટડી સહિત આજુબાજુના ગામડાઓમાં મળીને 15થી વધુ લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.

જેમાં પાટડીના એક 10 વર્ષના બાળકને કોવિડ પોઝીટીવ સહિત એક જ પરિવારના પાંચ લોકો કોરોનાની ઝપટમાં આવતા હાલ હોમ કોરોન્ટાઇન છે. જ્યારે પાટડી તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોંલકી પણ કોરોના પોઝીટીવ આવતા હોમ કોરોન્ટાઇન થયા છે

પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજ જાદવે પણ થોડા સમય અગાઉ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોવા છતાં આજે કોરોના પોઝીટીવ આવતા એમના માદરે વતન સાણંદમાં જ હોમ કોરોન્ટાઇન થયા છે.

 . બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક અને સેનેટાઇઝરના ફરજીયાત ઉપયોગ કરવાની સાથે સોશ્યલ ડીસ્ટન્સીગ પર ભાર મુકવાની વિનંતી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ તો જણાવે છે કે, એક વખત કોરોના થયા પછી પણ ફરી કોરોના થઇ શકે છે. અને કોરોના વેક્શીનના બંને ડોઝ લીધા પછી પણ કોરોના થઇ શકે છે. પણ આ રસીથી એન્ટીબોડીમાં કોરોના ઘાતક નિવડતો નથી આથી દરેક નાગરિકે કોરોનાની રસી અવશ્ય લઇ લેવી જોઇએ. પાટડીમાં વધતા જતા કોરોનાના કેસોથી લોકો ઘરની બહાર નીકળવાના બદલે ઘેર જ આરામ કરવાનું પસંદ કરી રહ્યાં છે. .

(9:52 pm IST)