Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લાલપુરના ખટિયા ગામની વૃદ્ધાનો પાણીના ટાંકામાં ડૂબી આપઘાત

ગેસ અને એસીડીટીની બીમારી કંટાળી પગલું ભર્યું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા 61 વર્ષની વયના વૃદ્ધાએ  એક પાણીના હોજમાં પડતું મુકી આત્મહત્યા કરી લીધી છે. પોતાની ગેસ અને એસીડીટીની બીમારી તેમ જ માનસિક બીમારીના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટીયા ગામ માં ચેતનભાઇ થાનકીના પ્લોટના નવા બાંધકામના સ્થળે રહેતા અને ચોકીદારી કરતા ચનાભાઈ દુધાભાઈ પરમાર નામના 78 વર્ષના વયોવૃદ્ધના પત્ની જયા બેન ચનાભાઈ પરમાર કે જેઓ છેલ્લા ત્રણેક મહિનાથી ગેસ અને એસીડીટી તથા માનસિક બીમારીથી પીડાતા હતા અને જામનગરની સમર્પણ હોસ્પિટલ મા તેમની દવા ચાલતી હતી. જે બીમારીથી તેઓ તંગ આવી ગયા હતા. અને પોતે જ્યાં રહે છે ત્યાં જ એક પાણીના હોજમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે ચનાભાઈ એ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોતાની બીમારીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે.

(10:25 pm IST)