Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉન વચ્ચે ઓટાળા ગામે પરપ્રાંતીય દંપતીની હત્યા થતા ચકચાર

Photo : Tankara

ટંકારા : હાલમાં સમગ્ર મોરબીમાં લોકડાઉન છે ત્યારે ટંકારાના લતીપર પર રોડ પર ઓટાળા ગામ પાસે આજે સવારે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. જેના કારણે ગામમાં ચકચાર મચી ગઈ છે.

 

ટંકારાના લતીપર પર રોડ પર ઓટાળા ગામ પાસે આવેલ ખેતરમાં આજે સવારે દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ પરથી ખ્યાલ આવ્યો હતો કે કોઈએ પતિ-પત્નીની હત્યા કરી તેઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઘટનાની જાણ રાહદારીઓએ ટંકારા પોલીસ સ્ટેશન એ કરતા મહિલા ફોજદાર એલ. બી. બગડા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ જે ખેતરમાંથી બંને લાશ મળી છે. ત્યાં આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી. તાપસ દરમિયાન પ્રાથમિક તારણમાં પતિ-પત્નીની હત્યા અંગત અદાવતના કારણે તથા તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હોવાનું અનુમાન છે.

 

ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો ભોગ બનેલા મૃતક દંપતી ઓટાળા ગામે આવેલ ન્યુ કિશાન સિમેન્ટ પાઇપના કારખાના સામે ઝૂપંડામાં રહેતા પરપ્રાંતીય મજૂર દંપતી છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ચારેય બાળકો માતા-પિતાની છત્રછાયા ગુમાવતા હીબકે ચડ્યા હતા. જેને મહિલા ફોજદાર એલ. બી. બગડા એ આશ્વાશન આપી નૈતિક ફરજ નિભાવી હતી. હાલમાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જરૂરી કામ સિવાય લોકોને બહાર નીકળવાની મનાઈ છે. પોલીસ પણ અલગ-અલગ સ્થળોએ તૈનાત છે ત્યારે દંપતીની હત્યા પાછળ કોણ જવાબદાર છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

(12:31 pm IST)